આખા વિશ્વમાં ફરી એકવાર ભારતનો ડંકો વાગ્યો છે. ICC T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે ભવ્ય જીત મેળવ્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન Suryakumar Yadav, મુખ્ય કોચ Gautam Gambhir અને ICC ચેરમેન Jay Shah અમદાવાદના Narendra Modi Stadium પાસે આવેલા પ્રસિદ્ધ Camp Hanuman Temple ખાતે હનુમાન દાદાના દર્શન કરવા પહોંચ્યા હતા. ટ્રોફી સાથે મંદિર પહોંચેલા આ ત્રણેય દિગ્ગજોની તસવીરો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીતતા દેશભરમાં ખુશીની લહેર ફરી વળી છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવના હાથમાં ચમકતી વર્લ્ડ કપ ટ્રોફી જોઈ શકાય છે. જીત પછી આભાર વ્યક્ત કરવા અને આશીર્વાદ મેળવવા માટે ટીમના નેતાઓએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા. ખેલાડીઓની આ સાદગી અને આસ્થા જોઈને ચાહકો પણ ગર્વ અનુભવી રહ્યા છે.
આ ઐતિહાસિક જીત સાથે ભારતીય ટીમે ફરી ઇતિહાસ રચ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. આ પહેલાં વર્ષ 2024માં ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ જીત સાથે ભારત હવે દુનિયાની સૌથી વધુ ત્રણ T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ બની ગઈ છે.
ફાઈનલ મેચની વાત કરીએ તો ન્યુઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ 256 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી નહોતી અને 19 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેના કારણે ભારતે ભવ્ય વિજય નોંધાવ્યો હતો.