Advertisement

ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી: આણંદ જિલ્લામાં ૧૭ મેથી ‘સ્વ-ગણતરી’ પોર્ટલનો પ્રારંભ થશે

ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી: આણંદ જિલ્લામાં ૧૭ મેથી ‘સ્વ-ગણતરી’ પોર્ટલનો પ્રારંભ થશે

આણંદ, ગુરૂવાર :: વસ્તીગણતરી 2027 અંતર્ગત ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી અન્વયે આણંદ જિલ્લામાં તારીખ 17 મે થી સ્વ ગણતરી પોર્ટલ નો પ્રારંભ થનાર છે. જે વિશે વિગતે જાણકારી આપવા અર્થે મુખ્ય જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી આણંદના સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.     

            

 જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ પ્રેસ મીડિયાના મિત્રોને વિગતે જાણકારી આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજયમાં તા.૧૭/૦૫/૨૦૨૬ના રોજથી શરૂ થનાર ઘરની 'સ્વ-ગણતરી' તા.૩૧/૦૫/૨૦૨૬ સુધી ચાલશે અને ત્યારબાદ તા.૦૧/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ સુધી ગણતરીદારો દ્વારા ઘરની ગણતરી કરવામાં આવનાર છે. તેમણે આણંદ જિલ્લામાં કુલ ૩૧૮૪ ગણતરીદારો તથા ૪૮૮ સુપરવાઈઝરો દ્વારા ઘરની ગણતરી કરવામાં આવનાર છે તેમ જણાવ્યું હતું. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આગામી 'જનગણના 2027'ના પ્રથમ તબક્કાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમ કહી તેમણે તા.૧૭ મે થી ઘરની 'સ્વ-ગણતરી' પ્રારંભ થનાર છે જે માટે ખુલ્લું મૂકવામાં આવનાર  'સ્વ-ગણતરી' (Self-Enumeration) પોર્ટલ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ વધુમાં આ પ્રક્રિયા દ્વારા નાગરિકો ગણતરીદારના ઘરે આવતા પહેલા પોતાની અને પોતાના પરિવારની વિગતો ઓનલાઈન નોંધી શકશે, જે સંપૂર્ણપણે સુરક્ષિત, ઝડપી અને સરળ પદ્ધતિ છે. જેથી તેમણે મીડિયા મિત્રોના માધ્યમથી આણંદ જિલ્લાના નાગરિકોને પોતાના ઘર / મકાનનુ રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કર્યો હતો.


 સ્વ-ગણતરી કરવા માટેની પ્રક્રિયા વિશે વાત કરતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે નાગરિકોએ સત્તાવાર પોર્ટલ https://se.census.gov.in પર જઈને રાજ્યની પસંદગી અને કેપચા કોડ દ્વારા પ્રવેશ મેળવવાનો રહેશે. ત્યારબાદ કુટુંબની નોંધણી કરી, પસંદગીની ભાષામાં OTP મેળવી લોગ-ઈન કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આશરે 15 થી 20 મિનિટનો સમય લાગશે. કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ એકવાર દાખલ કર્યા બાદ તેમાં ફેરફાર કરી શકાશે નહીં, તેથી વિગતો ચોકસાઈપૂર્વક ભરવામા આવે તે અનિવાર્ય છે તેમ વધુમાં જણાવ્યું હતું 


  આ ઓનલાઈન પ્રક્રિયામાં નાગરિકોએ પોતાના રહેણાંકની વિગતો ભરવાની રહેશે અને નકશામાં ઘરનું ચોક્કસ લોકેશન લાલ માર્કર દ્વારા દર્શાવવાનું રહેશે તેમ કહી જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રશ્નાવલી ભર્યા બાદ માહિતીની સમીક્ષા કરી 'ફાઈનલ સબમિટ' કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું તેમજ સફળ સબમિશન બાદ 11 અંકનો SE ID (H થી શરૂ થતો) જનરેટ થશે, જેનો સ્ક્રીનશોટ લઈ સાચવી રાખવો જરૂરી છે તેમ વધુમાં ઉમેર્યું હતું.


 શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે અંતિમ તબક્કામાં જ્યારે ગણતરીદાર રૂબરૂ મુલાકાત લેશે ત્યારે તેમને આ SE ID બતાવવાનો રહેશે. જો આ ID મેળ ખાશે તો માહિતી સીધી માન્ય ગણાશે, જેનાથી નાગરિકોના સમય અને મહેનતની બચત થશે. દેશના વિકાસની યોજનાઓ માટે સચોટ માહિતી પૂરી પાડવી એ દરેક નાગરિકની જવાબદારી છે તેમ જણાવી તેમણે વધુ સહાય માટે હેલ્પલાઈન નંબર 1855 પર સંપર્ક કરી શકાય છે તેમ મીડિયાના મિત્રોને જણાવ્યું હતું. 

 

આ તકે જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર અને પ્રતિનિધિશ્રીઓના વિવિધ વસ્તી ગણતરી પ્રક્રિયા સબંધિત મુદ્દાઓ અંગે મુખ્ય જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.


 આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ અને જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર અને પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરીમાં કોઈ રહી ન જાય તે રીતે "No Duplication and No Omission” સૂત્ર હેઠળ વસ્તી ગણતરી ૨૦૨૭ ની સમગ્ર પ્રક્રિયા હાથ ધરાનાર છે. 

Advertisement