ટી20 વર્લ્ડકપ-2026ની બીજી સેમિફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને રોમાંચક મુકાબલામાં હરાવી ફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યું હતું. ટીમ ઈન્ડિયાએ નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 253 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 246 રન સુધી જ પહોંચી શકી અને ભારતે મહત્વપૂર્ણ જીત મેળવી.
ભારત તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતાં 42 બોલમાં 8 ફોર અને 7 સિક્સની મદદથી 89 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ઈશાન કિશને 39 રન અને શિવમ દુબેએ 43 રન કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યાએ 27 રન અને તિલક વર્માએ ઝડપી 21 રન ફટકારી ભારતનો સ્કોર વધુ મજબૂત બનાવ્યો હતો.
ઈંગ્લેન્ડ તરફથી જેકોબ બેથેલે તોફાની બેટિંગ કરતાં 48 બોલમાં 8 ફોર અને 7 સિક્સ સાથે 105 રન બનાવ્યા હતા, પરંતુ તેમની ઇનિંગ છતાં ટીમને જીત અપાવી શકી નહોતી. બોલિંગમાં હાર્દિક પંડ્યાએ બે વિકેટ ઝડપી હતી, જ્યારે બુમરાહ, અર્શદીપ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીએ એક-એક વિકેટ મેળવી હતી. ફિલ્ડિંગમાં અક્ષર પટેલે બાઉન્ડ્રી લાઈન પર અદભૂત કેચ પકડીને મેચનું પાસું ભારત તરફ ફેરવી દીધું હતું.
આ જીત સાથે ભારતે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે, જ્યાં હવે 8 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ખિતાબી મુકાબલો રમાશે. પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. હવે ક્રિકેટપ્રેમીઓની નજર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ મહાસંગ્રામ જેવી ફાઈનલ મેચ પર ટકી છે.