નવી દિલ્હી: ભારત હવે વૈશ્વિક સ્તરે પોતાની આર્થિક અને વ્યૂહાત્મક પકડ મજબૂત કરવા માટે દક્ષિણ અમેરિકાના દેશ ચિલી સાથે એક મોટી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરવા જઈ રહ્યું છે. આ કરાર ભારત માટે ગેમ ચેન્જર સાબિત થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે તેનાથી ભારતને આધુનિક ટેકનોલોજી માટે અનિવાર્ય એવા લિથિયમ અને અન્ય દુર્લભ ખનિજોનો વિપુલ ભંડાર સસ્તા દરે ઉપલબ્ધ થશે. ખાસ કરીને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે આ ડીલ ભારત માટે પાયાનો પથ્થર સાબિત થશે.
વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિલી પાસે દુનિયાનો સૌથી મોટો લિથિયમનો ભંડાર છે, જેનો ઉપયોગ મોબાઈલ ફોન, લેપટોપ અને EV બેટરીના ઉત્પાદનમાં મુખ્યત્વે થાય છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ ભારતને લિથિયમ ઉપરાંત તાંબુ, કોબાલ્ટ અને મોલિબ્ડેનમ જેવા કિંમતી ખનિજો ઓછી કિંમતે મળશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચેની વાતચીત હવે અંતિમ તબક્કામાં છે. આ કરાર માત્ર ખનિજો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં ડિજિટલ સેવાઓ, રોકાણ અને MSME ક્ષેત્રમાં ટેકનોલોજીના આદાન-પ્રદાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો, ભારત અને ચિલી વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં છેલ્લા કેટલાક સમયથી નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં ચિલીથી ભારતની આયાતમાં 72 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે, જે 2.60 અબજ ડોલર સુધી પહોંચી છે. ભારતની નિકાસ પણ 1.15 અબજ ડોલર રહી છે. આ કરાર લાગુ થયા બાદ બંને દેશો વચ્ચેના વેપારના આંકડાઓમાં મોટો ઉછાળો આવશે, જે ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ગતિ આપશે અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવશે.