Advertisement

ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડનાર મહિલા આરોપીની જામીન અરજી ફગાવી

ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન પહોંચાડનાર મહિલા આરોપીની જામીન અરજી ફગાવી

નડિયાદ સેશન્સ કોર્ટે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવાના ગંભીર ગુનામાં સંડોવાયેલી મહિલા આરોપી રાશમીન રવિન્દ્ર પાલની જામીન અરજી ફગાવી દીધી છે. મૂળ ઉત્તર પ્રદેશની અને હાલ દાદરા નગર હવેલીમાં રહેતી આ મહિલા સામે દેશની સુરક્ષા જોખમમાં મૂકવાના ગંભીર આરોપો હેઠળ ATS દ્વારા તપાસ ચાલી રહી છે.

સરકારી વકીલ ધવલ બારોટની ધારદાર રજૂઆતોને ગ્રાહ્ય રાખીને કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો. આરોપી પર ભારત સરકાર સામે લડાઈ છેડવા અને દેશદ્રોહ જેવી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, રાશમીને પોતાની અસલી ઓળખ છુપાવવા માટે 'પ્રિયા ઠાકુર' નામનું ખોટું નામ ધારણ કર્યું હતું. તેણે પોતાના પાડોશીના મોબાઈલ નંબર પરથી OTP મેળવીને વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સક્રિય કર્યું હતું. આ ફેક એકાઉન્ટ દ્વારા તે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI ના એજન્ટો અને અન્ય વોન્ટેડ ગુનેગારોના સંપર્કમાં હતી.

આરોપી મહિલા પાકિસ્તાની એજન્ટ ખાલિદના સીધા સંપર્કમાં હતી. ખાલિદના કહેવા મુજબ, તેણે ભારતીય સેનામાં ફરજ બજાવતા અંદાજે ૧૬ જેટલા જવાનો અને અધિકારીઓ સાથે મિત્રતા કેળવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી મીઠી વાતો કરીને જવાનોને વિશ્વાસમાં લઈ, તેણે સેનાની વિવિધ બટાલિયનો અને તેમની હિલચાલ વિશેની અત્યંત સંવેદનશીલ માહિતી એકત્રિત કરી હતી.

એટીએસ (ATS) ની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, મેળવેલી તમામ ગુપ્ત વિગતો રાશમીને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI અને પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેશનને મોકલી આપી હતી. આ માહિતીનો ઉપયોગ પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતીય સેનાની બટાલિયનો પર હુમલાનું કાવતરું ઘડવા અને સેનાની વ્યુહરચના સમજવા માટે કરવામાં આવતો હોવાની પ્રબળ શક્યતા તપાસમાં દર્શાવવામાં આવી છે.

આ સમગ્ર જાસૂસી નેટવર્કમાં રાશમીન ISI ના એજન્ટ અબ્દુલ સત્તાર ઉર્ફે દીપક વર્મા સાથે પણ સતત સંપર્કમાં હોવાનું ખુલ્યું છે. દેશની અખંડિતતા અને સુરક્ષા સાથે ચેડાં કરનાર આ મહિલાના કૃત્યને કોર્ટે અત્યંત ગંભીર ગણાવ્યું છે. આ કેસમાં હજુ પણ વધુ મોટા ખુલાસા થવાની અને અન્ય વોન્ટેડ આરોપીઓ સુધી પહોંચવાની દિશામાં પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

Advertisement