મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં આજે ભારે ધરખમ ઘટાડો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંનેમાં વેચવાલી વધતા રોકાણકારોમાં ચિંતા જોવા મળી છે. આ સાથે ડૉલર સામે ભારતીય રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.
ડૉલર સામે રૂપિયો પહેલીવાર 95ની સપાટી પાર કરીને 95.14 સુધી લપસી ગયો હતો. બાદમાં NSE પર USDINRમાં વધુ તેજી જોવા મળતા રૂપિયો વધુ નબળો પડી 96.71 સુધી પહોંચી ગયો. USDINRમાં 1.8175 પોઇન્ટ એટલે કે 1.92 ટકાનો ઉછાળો નોંધાયો છે. આજે ટ્રેડિંગ દરમિયાન USDINR 96.48 પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન ઊંચામાં 96.71 તથા નીચામાં 93.52ની સપાટી જોવા મળી હતી.
આ વર્ષે રૂપિયો 4.1% ઘટ્યો
વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં ડૉલર સામે ભારતીય રૂપિયો લગભગ 4.1 ટકા નબળો પડ્યો છે. સતત ઘટાડા બાદ રૂપિયો એશિયાની સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કરન્સી બની ગયો છે. તાજેતરના સપ્તાહોમાં રૂપિયો સતત દબાણમાં રહ્યો છે.
રૂપિયાને સ્થિર રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સટ્ટાબાજી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂક્યા છે. આરબીઆઇએ ડૉલર પર ઑનશોર લૉન્ગ પોઝીશન મર્યાદિત કરી છે જેથી રૂપિયામાં વધુ પડતો ઘટાડો અટકાવી શકાય.
સેન્સેક્સમાં 1635 પોઇન્ટનો ભારે ઘટાડો
શેરબજારમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. ગઈકાલે BSE પર સેન્સેક્સ 73,583.22 પોઇન્ટ પર બંધ થયો હતો, જ્યારે આજે તે 72,565.22 પોઇન્ટ પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 73,165.32 પોઇન્ટના ઊંચા સ્તર સુધી ગયો હતો જ્યારે 71,774.13 પોઇન્ટના નીચા સ્તરે પણ પહોંચ્યો હતો.
છેવટે દિવસના અંતે સેન્સેક્સ 1,635.67 પોઇન્ટ એટલે કે 2.22 ટકાના ભારે ઘટાડા સાથે 71,947.55 પોઇન્ટ પર બંધ થયો હતો. સેન્સેક્સના છેલ્લા 52 સપ્તાહના રેકોર્ડ મુજબ તે 71,425.01 પોઇન્ટના નીચા સ્તર અને 86,159.02 પોઇન્ટના ઊંચા સ્તર વચ્ચે રહ્યો છે.
મધ્ય-પૂર્વમાં વધી રહેલા યુદ્ધના તણાવ, વિદેશી રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલી અને વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ બજાર પર વૈશ્વિક પરિસ્થિતિઓનો સીધો પ્રભાવ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.