વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન ભારતને મોટી રાજદ્વારી સફળતા મળી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો સુબિયાન્તોએ પીએમ મોદીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘બિન્તાંગ આદિપૂર્ણ’ એનાયત કરવાની જાહેરાત કરી છે.
જકાર્તા પહોંચતા જ વડાપ્રધાન મોદીના વિમાનને ઇન્ડોનેશિયન ફાઇટર જેટ્સ દ્વારા એસ્કોર્ટ આપવામાં આવ્યું, જ્યારે એરપોર્ટ પર ભવ્ય ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
બંને દેશોના નેતાઓ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ કરારો પર સહમતિ બની હતી. જેમાં ભારતનું UPI ઇન્ડોનેશિયાની પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાનું, ક્રિટિકલ મિનરલ્સ અને સ્ટીલ ક્ષેત્રમાં સપ્લાય ચેઈન મજબૂત બનાવવાની સહમતિ, તેમજ સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષા સહયોગને વધુ મજબૂત કરવાનો નિર્ણય સામેલ છે.
પત્રકાર પરિષદ દરમિયાન પીએમ મોદીએ જણાવ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હવે નવી ઊંચાઈઓ સર કરી રહી છે. સાથે જ તેમણે વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના વલણને પુનરોચ્ચાર કરતાં પેલેસ્ટાઈન મુદ્દે 'ટુ-સ્ટેટ સોલ્યુશન'ના સમર્થનની પણ વાત કરી.