મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ભારે વરસાદ અને સતત ભૂસ્ખલનની ઘટનાઓને કારણે મુંબઈ-પૂણે વચ્ચેનો સંપર્ક લગભગ ખોરવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, ઘાટ સેક્શનમાં એક પછી એક લેન્ડસ્લાઈડ થતાં મુંબઈ-પૂણે એક્સપ્રેસવે અને જૂનો મુંબઈ-પૂણે હાઈવે આગામી સૂચના સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહારને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
રેલવે સેવાને પણ મોટો ફટકો પડ્યો છે. ડેક્કન ક્વીન, ઇન્દ્રાયણી એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સપ્રેસ સહિત 16 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે અનેક અન્ય ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો છે. ટ્રેક પરથી કાટમાળ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરી છે. સાથે જ ભારે વરસાદની આગાહીને પગલે મુંબઈ, પુણે, ઠાણે અને પાલઘર જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
હાલ સમગ્ર વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે, જ્યારે હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.