ભાલેજમાં આવેલી જાણીતી દરગાહમાં બાકોરૂં પાડી માત્ર અડધા કલાકમાં 18 કિલો ચાંદી, અઢી કિલો સોનાથી મઢેલા ગુંબજ અને મિનારાની માત્ર 30 મિનિટમાં ચોરી કરવાના બનાવમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ભાલેજ પોલીસની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પાંચેક દિવસ પહેલાં પેસ્ટ કંટ્રોલ કરવા આવેલા ત્રણ શકમંદોની પૂછપરછ કરાઈ હતી. તેમની પાસેથી એવી કોઈ ફળદાયી માહિતી મળી આવી નથી.
ભાલેજ રેલવે સ્ટેશનની તદ્દન નજીક આવેલી અને શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર સમાન મલંગબાવા અસ્તાના-એ-હુશેન દરગાહને તસ્કરોએ દરગાહમાં પાછળના ખેતરાળ રસ્તે સીડી મુકીને તેમાં બાકોરૂં પાડી 18 કિલો ચાંદી, અઢી કિલો સોનાથી મઢેલા ગુંબજ અને મિનારાની માત્ર 30 મિનિટમાં ચોરી કરી હતી. નોંધનીય છે કે, સમગ્ર બનાવમાં ત્રણ શખસ હોવાની શંકા વચ્ચે પોલીસ દ્વારા સમગ્ર ગામના, બસ સ્ટેન્ડ વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસવાની તજવીજ હાથ ધરી છે. કારણ ગુનામાં બે શખસ પૈકી એક શખસે દરગાહમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બીજો શખસ બાકોરા પાસે ઉભો રહ્યો હતો.
ત્રીજો શખસ પાછળના રસ્તે ઉભો હતો. હાલમાં પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોને સક્રિય કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં પાંચેક દિવસ અગાઉ દરગાહમાં પેસ્ટ કંટ્રોલ કરવા માટે ત્રણ જણાં આવ્યા હતા. જેમની પર શંકા જતા પોલીસ દ્વારા તેમને બોલાવી પૂછપરછ કરાઈ હતી. પરંતુ કોઈ સંતોષકારક માહિતી મળી નથી. જોકે, બીજી તરફ સ્થળ પરથી પોલીસને એક પાણીની બોટલ મળી હતી. જે બોટલ બનાવતી કંપની ઉમરેઠમાં હોવાની શંકા વચ્ચે પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા.