Advertisement

ભાજપમાં 'પેનલ'ના નામે 'પોતાની દુકાન': ઉમેદવારોમાં હારનો ડર કે સત્તાનો મોહ? કમલમમાં દોડધામ!

ભાજપમાં 'પેનલ'ના નામે 'પોતાની દુકાન': ઉમેદવારોમાં હારનો ડર કે સત્તાનો મોહ? કમલમમાં દોડધામ!

 અમદાવાદ: રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. એકતરફ સૂર્યનારાયણ પ્રકોપ વરસાવી રહ્યા છે, તો બીજીતરફ ભાજપના આંતરિક રાજકારણમાં લાગેલી 'અસંતોષની આગ' પ્રદેશ નેતાગીરી માટે માથાનો દુખાવો બની છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં હવે 'પેનલ ટુ પેનલ'ના આદેશોના ધજાગરા ઉડી રહ્યા હોય તેવું ચિત્ર ગ્રાઉન્ડ લેવલ પર જોવા મળી રહ્યું છે.


સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં ભાજપના અનેક ઉમેદવારોએ હવે પક્ષના એજન્ડાને સાઈડમાં મૂકી 'વ્યક્તિગત પ્રચાર' તેજ કર્યો છે. જે વોર્ડમાં પેનલના અન્ય સભ્યો નબળા છે અથવા જેમના પ્રત્યે લોકોમાં રોષ છે, ત્યાં બાકીના ઉમેદવારો હવે મતદારોને છૂપી રીતે કહી રહ્યા છે કે, "પેનલનું જે થવું હોય તે થાય, પણ મારું જરા જોઈ લેજો!" ઉમેદવારોને ડર છે કે જો તે પેનલના ભરોસે રહેશે તો સાથી ઉમેદવાર સામેની એન્ટી-ઇન્કમ્બન્સી તેમને પણ ડુબાડશે.


ઉમેદવારોની આ 'અંગત ગેમ'ની વિગતો પ્રદેશ કાર્યાલય 'કમલમ' સુધી પહોંચતા નેતાગીરી હરકતમાં આવી છે. પ્રદેશના ટોચના નેતાઓ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સંજોગોમાં પેનલ તૂટવી જોઈએ નહીં. જોકે, પાંચ વર્ષની સત્તા મેળવવાની લાલચમાં ઉમેદવારો પક્ષની શિસ્તને નેવે મૂકી રહ્યા છે.


ચૂંટણીમાં ટિકિટ ન મળતા અનેક દાવેદારોએ હવે 'ભીતરી નુકસાન' કરવાનું શરૂ કર્યું છે. કેટલાક અસંતુષ્ટો નિષ્ક્રિય થઈ ગયા છે, તો કેટલાક વિરોધ પક્ષોને 'પાછલા બારણે' મદદ કરી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વિકાસના મુદ્દાઓ હવે ગૌણ બન્યા છે અને ઉમેદવારો જ્ઞાતિ-જાતિના સમીકરણો પર ઉતરી આવ્યા છે.


 જો કાર્યકરો અને ઉમેદવારો પોતાની 'વ્યક્તિગત દુકાન' ચલાવવાનું ચાલુ રાખશે, તો ભાજપનો દરેક બેઠક જીતવાનો દાવો પોકળ સાબિત થઈ શકે છે. શુક્રવારે સાંજે પ્રચારના ભૂંગળા શાંત થશે, પરંતુ ઉમેદવારોની આ 'આંતરિક લડાઈ' પેનલોના ફુરચા ઉડાડશે કે કેમ, તે તો પરિણામના દિવસે જ ખબર પડશે.

Advertisement