સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં અચાનક ગરમાવો જોવા મળ્યો છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયેલા યુવા ખેડૂત નેતા રાજુ કરપડાને પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી-2 બેઠક પરથી તેમને સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ખાસ નોંધનીય વાત એ છે કે રાજુ કરપડા ગઈકાલે જ વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અને તેના માત્ર 24 કલાકમાં જ પક્ષે તેમના પર વિશ્વાસ મૂકી ટિકિટ એનાયત કરી દીધી છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મૂળી-2 બેઠક પરથી હવે રાજુ કરપડા ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે.
રાજુ કરપડાને ટિકિટ મળતા મૂળી વિસ્તારમાં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવા ખેડૂત નેતા તરીકે તેમની ઓળખ હોવાથી ગ્રામ્ય મતદારોમાં તેમની અસર જોવા મળી શકે છે. હવે આવનારી ચૂંટણીમાં મૂળી-2 બેઠક પર મુકાબલો રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.