બાંગ્લાદેશમાં છેલ્લા થોડા સમયથી બાળકોમાં ગંભીર બીમારીઓના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. શરૂઆતમાં સામાન્ય તાવ અથવા વાયરસ તરીકે જોવામાં આવેલા આ કેસો હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતા જોવા મળ્યા છે. રિપોર્ટ્સ મુજબ, એક મહિનાથી પણ ઓછા સમયમાં 100થી વધુ બાળકોના મોત થતા આરોગ્ય તંત્ર ચોંકી ગયું છે. તપાસ દરમિયાન ખુલ્યું કે આ સામાન્ય તાવ નહીં પરંતુ Measles (ખસરા) જેવી અત્યંત ચેપી અને ખતરનાક બીમારી છે, જે ખાસ કરીને નાના બાળકોને ઝડપથી પોતાની ઝપેટમાં લઈ રહી છે.
ખસરા એક વાઈરલ ઈન્ફેક્શન છે, જે ખૂબ જ ઝડપથી ફેલાય છે અને તેની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે. તાવ, ખાંસી, શરીરમાં નબળાઈ અને ચામડી પર લાલ ચકામા જેવા લક્ષણો દેખાતા હોવા છતાં લોકો ઘણીવાર તેને અવગણે છે. પરંતુ સમયસર સારવાર ન મળે તો આ બીમારી ગંભીર સ્વરૂપ લઈ શકે છે, જેના કારણે બાળકોમાં ન્યૂમોનિયા, ડિહાઈડ્રેશન અને અન્ય જીવલેણ પરિસ્થિતિઓ ઉભી થઈ શકે છે. નિષ્ણાતો જણાવે છે કે નાના બાળકો માટે ખસરા ખાસ જોખમી સાબિત થઈ શકે છે.
આ બીમારીનો ફેલાવો મુખ્યત્વે હવામાં થાય છે. સંક્રમિત વ્યક્તિ જ્યારે ખાંસી કે છીંકે છે ત્યારે વાયરસ હવામાં ફેલાઈ જાય છે અને આસપાસના લોકો શ્વાસ દ્વારા તેને સરળતાથી ગ્રહણ કરી લે છે. ખાસ કરીને ગીચ વસાહતોમાં આ રોગ ખૂબ જ ઝડપથી ફેલાય છે. બાંગ્લાદેશમાં માર્ચથી અત્યાર સુધીમાં 900થી વધુ કેસ નોંધાતા આરોગ્ય સેવાઓ પર ભાર વધ્યો છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે બાંગ્લાદેશ સરકારે તાત્કાલિક પગલાં લીધા છે. 5 એપ્રિલથી મોટા પાયે ખસરા-રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 12 લાખથી વધુ બાળકોને આવરી લેવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આરોગ્ય નિષ્ણાતોનું માનવું છે કે રસીકરણ જ આ રોગ સામેનું સૌથી અસરકારક હથિયાર છે. સાથે જ, બાળકોમાં તાવ, ચકામા અથવા અન્ય લક્ષણો દેખાતા જ તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, જેથી સમયસર સારવાર મળી રહે અને ગંભીર પરિણામોથી બચી શકાય.