બાળકને પેસિફાયર આપવાની આદત કેટલી સુરક્ષિત? જાણો તેના ફાયદા, નુકસાન અને કઈ ઉંમરે છોડાવવી જોઈએ

બાળકને પેસિફાયર આપવાની આદત કેટલી સુરક્ષિત? જાણો તેના ફાયદા, નુકસાન અને કઈ ઉંમરે છોડાવવી જોઈએ

રાતના બે વાગ્યા હોય અને બાળક સતત રડતું હોય ત્યારે માતા-પિતા માટે તેને શાંત કરાવવું મુશ્કેલ બની જાય છે. કોઈ બાળકને ખોળામાં લઈને થપકી આપે છે, તો કોઈ તેને દૂધ પીવડાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઘણી વખત આ પ્રયાસો છતાં બાળક શાંત થતું નથી. આવી સ્થિતિમાં પેસિફાયર એટલે કે ચૂસણી માતા-પિતા માટે મદદરૂપ સાબિત થાય છે. બાળકના મોઢામાં પેસિફાયર મૂકતાં જ તે ચૂસવા લાગે છે અને ધીમે-ધીમે શાંત થઈ જાય છે.

આજકાલ નાનાં બાળકોને શાંત કરવા માટે પેસિફાયરનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. જોકે, શું તેનો ઉપયોગ દરેક બાળક માટે યોગ્ય છે? શું પેસિફાયર આપવાથી બાળકના દાંત અને કાનના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે? અને સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે બાળકને કઈ ઉંમરે પેસિફાયરની આદત છોડાવવી જોઈએ?

ચાલો જાણીએ પેસિફાયર સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો.

પેસિફાયર શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

પેસિફાયર એક એવું સાધન છે, જે ખાસ કરીને નવજાત અને નાનાં બાળકોને ચૂસવા માટે આપવામાં આવે છે. તે સામાન્ય રીતે સિલિકોન અથવા રબરથી બનેલું હોય છે. તેના એક છેડે નિપલ જેવો ભાગ હોય છે, જેને બાળક મોઢામાં રાખીને ચૂસે છે. જ્યારે બીજા છેડે શીલ્ડ હોય છે, જે પેસિફાયરને બાળકના મોઢાની અંદર સંપૂર્ણપણે જતું અટકાવે છે.

જન્મ પછી બાળકોમાં ચૂસવાની કુદરતી વૃત્તિ હોય છે. આ વૃત્તિ માત્ર દૂધ પીવા માટે જ નહીં, પરંતુ તેમને આરામ અને સુરક્ષાનો અનુભવ કરાવવામાં પણ મદદ કરે છે. પેસિફાયર આ જ કુદરતી વૃત્તિને સંતોષવાનું કામ કરે છે.

માતા-પિતા બાળકોને પેસિફાયર શા માટે આપે છે?

બાળક જ્યારે સતત રડે છે અથવા બેચેની અનુભવે છે ત્યારે પેસિફાયર તેને શાંત કરવામાં મદદ કરી શકે છે. તેના કેટલાક સામાન્ય ઉપયોગો છે.

  • બાળકને રડતું અટકાવી શાંત કરવામાં મદદ મળે છે.

  • ઊંઘતી વખતે બાળકને આરામ મળી શકે છે.

  • બેચેની અને ચીડિયાપણું ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

  • રસીકરણ અથવા નાની તબીબી પ્રક્રિયા દરમિયાન બાળકનું ધ્યાન ભટકાવવામાં મદદ મળે છે.

  • બાળકને પોતાની રીતે શાંત થવામાં મદદ મળી શકે છે.

શું પેસિફાયર બાળકો માટે સુરક્ષિત છે?

અમેરિકન એકેડેમી ઑફ પીડિયાટ્રિક્સ (AAP)ના માર્ગદર્શન મુજબ, યોગ્ય રીતે પેસિફાયરનો ઉપયોગ કરવો સામાન્ય રીતે સુરક્ષિત છે. ખાસ વાત એ છે કે બાળકને બપોરની ઊંઘ અને રાત્રે સૂવડાવતી વખતે પેસિફાયર આપવાથી સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ (SIDS) એટલે કે અચાનક શિશુ મૃત્યુના જોખમમાં ઘટાડો થઈ શકે છે.

જોકે, જો બાળકને માતાનું દૂધ પીવડાવવામાં આવતું હોય તો સ્તનપાન સારી રીતે સ્થાપિત થયા પછી જ પેસિફાયર આપવાની સલાહ આપવામાં આવે છે. બાળક પેસિફાયર લેવા ઇનકાર કરે તો તેને જબરદસ્તી આપવું નહીં.

દરેક બાળકને પેસિફાયરની જરૂર પડે છે?

ના, દરેક બાળકની જરૂરિયાત અને સ્વભાવ અલગ હોય છે. કેટલાક બાળકો પેસિફાયર વગર પણ ખુશ અને શાંત રહે છે. તેઓ અંગૂઠો ચૂસીને, હાથ મોઢા પાસે લઈ જઈને અથવા માતા-પિતાના ખોળામાં રહીને શાંત થઈ જાય છે.

કેટલાક બાળકોને માતા-પિતાનો અવાજ, સ્પર્શ અને હૂંફથી જ આરામ મળે છે. તેથી બાળક પેસિફાયર વગર પણ સામાન્ય રીતે રમતું હોય અને ખુશ રહેતું હોય તો તેને પેસિફાયર આપવાની કોઈ ખાસ જરૂર નથી.

પેસિફાયર વગર બાળકને શાંત કરવાની 5 રીતો

જો બાળકને પેસિફાયરની આદત પાડવી ન હોય તો માતા-પિતા કેટલીક બીજી રીતો અપનાવી શકે છે.

  1. બાળકને પ્રેમથી ખોળામાં લેવું.

  2. હળવેથી ઝુલાવવું અથવા થપકી આપવી.

  3. તેની સાથે ધીમા અવાજમાં વાત કરવી.

  4. હાલરડું કે હળવું ગીત સંભળાવવું.

  5. બાળકની જરૂરિયાત મુજબ તેની સાથે રમવું અને સમય વિતાવવો.

લાંબા સમય સુધી પેસિફાયર આપવાથી શું નુકસાન થઈ શકે છે?

પેસિફાયરનો મર્યાદિત સમય સુધી ઉપયોગ સામાન્ય રીતે ચિંતાનો વિષય નથી. પરંતુ લાંબા સમય સુધી તેની આદત રહે તો કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

1. કાનમાં ઇન્ફેક્શનનું જોખમ: લાંબા સમય સુધી પેસિફાયરનો ઉપયોગ કરવાથી કેટલાક બાળકોમાં મધ્ય કાનના ચેપ એટલે કે ઓટાઇટિસ મીડિયાનું જોખમ વધી શકે છે.

2. દાંતની બનાવટ પર અસર: લાંબા સમય સુધી ચૂસવાની આદત રહે તો દાંતની ગોઠવણી અને જડબાના વિકાસ પર અસર થઈ શકે છે. ખાસ કરીને આગળના દાંત વચ્ચે જગ્યા રહેવી અથવા પાછળના દાંતની ગોઠવણીમાં ફેરફાર થવો જેવી સમસ્યાઓ જોવા મળી શકે છે.

3. પેસિફાયરની આદત: કેટલાક બાળકો પેસિફાયર વગર ઊંઘી શકતા નથી અથવા વારંવાર તેની માંગણી કરે છે. જેના કારણે ધીમે-ધીમે તેની આદત છોડાવવી મુશ્કેલ બની શકે છે.

પેસિફાયર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

બજારમાં અલગ-અલગ આકાર અને સાઇઝના પેસિફાયર ઉપલબ્ધ છે. પરંતુ બાળક માટે યોગ્ય પેસિફાયર પસંદ કરવું ખૂબ જરૂરી છે.

  • બાળકની ઉંમર પ્રમાણે યોગ્ય સાઇઝ પસંદ કરો.

  • શક્ય હોય ત્યાં સુધી એક જ ટુકડામાં બનેલો પેસિફાયર પસંદ કરો.

  • પેસિફાયરની શીલ્ડ મજબૂત અને હવાના છિદ્રો ધરાવતી હોવી જોઈએ.

  • પેસિફાયરનો નિપલ ભાગ તૂટેલો કે ઢીલો ન હોવો જોઈએ.

  • પેસિફાયરમાં તિરાડ, ચીકાશ કે ઘસારો દેખાય તો તેનો ઉપયોગ બંધ કરો.

  • ઉત્પાદકની સૂચનાઓ મુજબ જ પેસિફાયરનો ઉપયોગ કરો.

રાત્રે બાળકને પેસિફાયર આપવું યોગ્ય છે?

હા, અમેરિકન એકેડેમી ઑફ પીડિયાટ્રિક્સના જણાવ્યા અનુસાર બાળકને બપોરે અને રાત્રે ઊંઘતી વખતે પેસિફાયર આપી શકાય છે. તેનાથી SIDSનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.

જોકે, બાળક ઊંઘી જાય અને પેસિફાયર મોઢામાંથી પડી જાય તો તેને ફરીથી મોઢામાં મૂકવાની જરૂર નથી. ઊંઘતી વખતે પેસિફાયરને દોરીથી બાળકના ગળા કે કપડાં સાથે બાંધવું નહીં. તે જોખમી બની શકે છે.

પેસિફાયરને કેવી રીતે સાફ રાખવું?

બાળક વારંવાર પેસિફાયર મોઢામાં રાખતું હોવાથી તેની સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે.

  • ઉપયોગ પહેલાં અને પછી પેસિફાયરને સારી રીતે સાફ કરો.

  • સ્વચ્છ પાણી અને સાબુથી ધોઈ લો.

  • બાળકની ઉંમર અને ઉત્પાદકની સૂચનાઓ મુજબ જરૂર પડે ત્યારે તેને સ્ટેરિલાઇઝ કરો.

  • ધોયા પછી સ્વચ્છ જગ્યાએ સૂકવવા રાખો.

  • ભીની અથવા ગંદી જગ્યાએ પેસિફાયર ન રાખો.

  • પેસિફાયરને પોતાના મોઢાથી સાફ કરીને બાળકને આપશો નહીં.

  • તિરાડ કે નુકસાન દેખાય તો તરત બદલી નાખો.

પેસિફાયરને કેટલા સમય પછી બદલવું તે તેના મટિરિયલ, સ્થિતિ અને ઉત્પાદકની સૂચનાઓ પર આધારિત છે. દરેક પેસિફાયર માટે એકસરખો સમયગાળો નક્કી નથી.

ભૂખ્યા બાળકને શાંત કરવા પેસિફાયર આપવું યોગ્ય છે?

ના. પેસિફાયર ભૂખ દૂર કરતું નથી અને તેને દૂધના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવું જોઈએ નહીં. જો બાળક ભૂખ્યું હોય તો તેને સમયસર માતાનું દૂધ અથવા યોગ્ય ફોર્મ્યુલા ફીડ આપવું જરૂરી છે.

બાળક વારંવાર મોઢું ખોલે, હાથ મોઢા પાસે લઈ જાય અથવા દૂધ પીવા માટે માથું ફેરવે તો તે ભૂખના સંકેતો હોઈ શકે છે. આવી સ્થિતિમાં પેસિફાયર આપીને ફીડિંગમાં વિલંબ કરવો નહીં.

પેસિફાયરમાં મધ લગાવીને આપવું જોખમી છે?

હા, બાળકના પેસિફાયર પર મધ, ખાંડ કે અન્ય કોઈ મીઠી વસ્તુ લગાવીને આપવી નહીં.

ખાસ કરીને એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મધ આપવાથી ઇન્ફન્ટ બોટુલિઝમ નામના ગંભીર રોગનું જોખમ રહે છે. આ બીમારી બાળકના નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓને અસર કરી શકે છે. મીઠી વસ્તુઓના વારંવાર સંપર્કથી દાંતમાં સડો થવાનું જોખમ પણ વધી શકે છે.

બાળકને કઈ ઉંમરે પેસિફાયરની આદત છોડાવવી જોઈએ?

બાળકને પેસિફાયરની આદત ધીમે-ધીમે છોડાવવી વધુ યોગ્ય છે. અમેરિકન એકેડેમી ઑફ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી (AAPD)ના જણાવ્યા અનુસાર, 12 મહિના પછી પેસિફાયરનો ઉપયોગ મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છે. 18 મહિના પછી તેનો ઉપયોગ બાળકના દાંત અને મોઢાના વિકાસને અસર કરી શકે છે. સામાન્ય રીતે 36 મહિના એટલે કે 3 વર્ષની ઉંમર સુધીમાં આ આદત સંપૂર્ણપણે છોડાવી દેવી જોઈએ.

આ માટે માતા-પિતા બાળકને ધીમે-ધીમે પેસિફાયરથી દૂર રાખે, દિવસ દરમિયાન તેનો ઉપયોગ ઘટાડે અને પેસિફાયર વગર શાંત થવા બદલ બાળકને પ્રોત્સાહિત કરે.

અંતે શું સમજવું જરૂરી છે?

પેસિફાયર બાળકને શાંત કરવા માટે ઉપયોગી સાધન બની શકે છે, પરંતુ તે બાળકના વિકાસ માટે અનિવાર્ય નથી. તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ અને યોગ્ય સાવચેતી સાથે કરવો જોઈએ. બાળકની ભૂખ, ઊંઘ અને અન્ય જરૂરિયાતોને અવગણીને તેને વારંવાર પેસિફાયર આપવું યોગ્ય નથી.

યાદ રાખો, બાળકને શાંત રાખવા કરતાં તેના સ્વાસ્થ્ય અને યોગ્ય વિકાસને પ્રાથમિકતા આપવી વધુ જરૂરી છે. બાળકને પેસિફાયરની આદત હોય, કાનમાં વારંવાર ચેપ લાગતો હોય અથવા દાંતની ગોઠવણીમાં ફેરફાર જણાતો હોય તો પીડિયાટ્રિશિયન અથવા પીડિયાટ્રિક ડેન્ટિસ્ટની સલાહ લેવી જોઈએ.