દેશભરમાં ચોમાસું હવે વધુ સક્રિય બન્યું છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત 16થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તેજ પવનનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર વધુ મજબૂત બનતા આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે અને કેટલીક જગ્યાએ શાળા-કોલેજોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ માટે માછીમારોને ઊંડા દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ત્રણ દિવસમાં ચોમાસું દેશના બાકીના તમામ વિસ્તારોને પણ આવરી લેશે. તેથી નાગરિકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે.