કોલકાતા: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી સરકાર દ્વારા વહીવટી તંત્રને સુદ્રઢ કરવા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે શ્રેણીબદ્ધ મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને તેમની કેબિનેટ રાજ્યભરમાં ચાલતી બિન-સરકારી તથા કથિત રૂપે ગેરકાયદેસર મદરેસાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. આ અંગે ટૂંક સમયમાં જ સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
સરકારના આ સંભવિત પગલાં અંગે ભાજપના ધારાસભ્ય સજલ ઘોષે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, બિન-સહાયિત અને નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલતી ગેરકાયદેસર મદરેસાઓને બંધ કરવી એ તેમની પાર્ટીના મુખ્ય એજન્ડાનો હિસ્સો રહ્યો છે અને બંગાળમાં આવી તમામ સંસ્થાઓ બંધ કરવામાં આવશે. વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ કોઈ ચોક્કસ ધર્મ કે મુસ્લિમ સમુદાય વિરુદ્ધની ઝુંબેશ નથી. વાસ્તવિકતા એ છે કે મદરેસાઓમાંથી આપણને ડોક્ટરો કે એન્જિનિયરો મળતા નથી. અમારો વિરોધ મદરેસાની સંસ્કૃતિ સામે નથી, પરંતુ ગેરકાયદેસર રીતે ધમધમતી સંસ્થાઓ સામે છે અને તેના પર તાળાં વાગશે જ.
બીજી તરફ, ભાજપના અન્ય એક વરિષ્ઠ ધારાસભ્ય અર્જુન સિંહે રસ્તાઓ અને જાહેર સ્થળો પર થતી નમાજ પર પ્રતિબંધ મૂકવાના સરકારના ઈરાદાને સ્પષ્ટ કર્યો છે. કેબિનેટ બેઠકના નિર્ણયોનો હવાલો આપતા તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં શેરીઓ કે રસ્તાઓ રોકીને નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને લોકોને મસ્જિદ પરિસરની અંદર જ પ્રાર્થના કરવા વિનંતી કરાશે. તેમણે કોલકાતાના ઐતિહાસિક રેડ રોડનો ઉલ્લેખ કરતા આક્ષેપ કર્યો કે, પૂર્વ સીએમ મમતા બેનર્જીના શાસનકાળ દરમિયાન ત્યાં યોજાતા મોટા ધાર્મિક મેળાવડાઓને કારણે આર્મીના તાલીમ સમયપત્રકમાં અવરોધ ઊભો થતો હતો, જે હવે જોવા નહીં મળે. જોકે, આ બાબતે હજી સુધી કોઈ આખરી સત્તાવાર આદેશ જારી થયો નથી.
નવી સરકાર માત્ર શૈક્ષણિક સંસ્થાઓ જ નહીં, પરંતુ જાહેર વ્યવસ્થાને લઈને પણ કડક નિર્ણયો તરફ આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાફિક અને સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સાર્વજનિક સ્થળો કે હાઈવે બ્લોક કરીને થતી ધાર્મિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાની તૈયારી ચાલી રહી છે. કાયદો અને વ્યવસ્થાના સુધારાના ભાગરૂપે લેવાઈ રહેલા આ નિર્ણયો આગામી દિવસોમાં રાજ્યની કાયદાકીય સ્થિતિમાં મોટો બદલાવ લાવી શકે છે.
જોકે સરકાર તરફથી હજુ સત્તાવાર નોટિફિકેશન આવવાનું બાકી છે, તેમ છતાં આ નિવેદનોએ બંગાળના સામાજિક અને રાજકીય વાતાવરણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. વિરોધ પક્ષો આ આખી બાબતને નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા અને બંધારણીય અધિકારો પર ત્રાપ સમાન ગણાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ, શાસક પક્ષ આને કોઈપણ ભેદભાવ વિના માત્ર કાયદાનું પાલન કરાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવાના એક મજબૂત પગલા તરીકે જોઈ રહ્યો છે.
આ તમામ ચર્ચાઓ વચ્ચે કાશીપુર-બેલગાછિયા વિસ્તારના ભાજપના ધારાસભ્ય રિતેશ તિવારીનું એક નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, "હું ભલે સમગ્ર મતવિસ્તારનો ધારાસભ્ય હોઉં, પરંતુ મારી પ્રાથમિકતા હંમેશા એ લોકોને જ આપશે જેમણે મને મતો આપીને વિજયી બનાવ્યો છે." તેમણે પોતાના આ વલણ અંગે વધુમાં ઉમેર્યું કે, જો કોઈ આ બાબતને તુષ્ટિકરણની રાજનીતિ કે પક્ષપાત કહેતું હોય, તો તેઓ તેમાં ૧૦૦ ટકા માનશે અને તેનાથી પીછેહઠ નહીં કરે.