કોલકાતા: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. રાજ્યની 294 બેઠકોમાંથી 207 બેઠકો પર પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવીને ભારતીય જનતા પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો અંત આણ્યો છે. આ ઐતિહાસિક જીત બાદ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અત્યંત ભાવુક અને પ્રેરણાદાયી ક્ષણ જોવા મળી હતી. નવા મુખ્યમંત્રી તરીકે શુભેન્દુ અધિકારી અને તેમના મંત્રીમંડળના શપથ વિધિ માટે જ્યારે પીએમ મોદી મંચ પર પહોંચ્યા, ત્યારે તેમણે ત્યાં હાજર 98 વર્ષના વયોવૃદ્ધ પાયાના નેતા માખનલાલ સરકારનું વિશેષ સન્માન કર્યું હતું. વડાપ્રધાને જાહેરમાં તેમના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા અને તેમને આદરપૂર્વક ગળે લગાડ્યા હતા, જે દ્રશ્ય જોઈને મંચ પર હાજર મહાનુભાવો અને લાખો સમર્થકોની આંખો નમ થઈ ગઈ હતી.
માખનલાલ સરકાર એ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રવાદી આંદોલન અને ભાજપના સંગઠનને મજબૂત કરનારા પાયાના પથ્થર સમાન નેતા છે. તેમની રાજકીય સફર ત્યાગ અને સંઘર્ષથી ભરેલી રહી છે. વર્ષ 1952માં કાશ્મીરમાં ભારતીય તિરંગો લહેરાવવાના આંદોલન દરમિયાન તેઓ જનસંઘના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જીના ખભેખભા મિલાવીને ચાલ્યા હતા અને તે સમયે તેમની ધરપકડ પણ થઈ હતી. 1980માં ભાજપની સ્થાપના બાદ તેમણે પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જેવા પછાત અને પડકારજનક વિસ્તારોમાં પગપાળા ફરીને સંગઠન ઊભું કર્યું હતું. તેમણે માત્ર એક જ વર્ષમાં 10,000થી વધુ સભ્યોને પાર્ટીમાં જોડીને સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી હતી, જેનો મીઠો ફળ આજે ભાજપને બંગાળની સત્તાના રૂપમાં મળ્યો છે.
આ ભવ્ય સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે કોલકાતા એરપોર્ટ પહોંચ્યા હતા અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા રેસકોર્સ મેદાન ખાતે ઉતર્યા હતા. સમારોહ સ્થળે પીએમ મોદીનું 'જય શ્રી રામ'ના ગગનભેદી નારાઓ સાથે અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન ખુલ્લી જીપમાં સવાર થઈને જનમેદનીનું અભિવાદન ઝીલતા મંચ સુધી પહોંચ્યા હતા. આ ઐતિહાસિક પળે રાજ્યના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભાજપ સમર્થકો અને સામાન્ય જનતા આ પરિવર્તનના સાક્ષી બનવા બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં ઉમટી પડી હતી, જેનાથી સમગ્ર કોલકાતા કેસરીયા રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.