Advertisement

બંગાળમાં ભાજપ સરકાર આવી તો જૂના કૌભાંડ અને દુષ્કર્મ કેસની ફાઈલો ખોલાશે: PM મોદી

બંગાળમાં ભાજપ સરકાર આવી તો જૂના કૌભાંડ અને દુષ્કર્મ કેસની ફાઈલો ખોલાશે: PM મોદી

પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે, તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં વિશાળ જનસભા સંબોધી સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. પીએમ મોદીએ બંગાળમાં ભાજપની જીત માટે પ્રજાનો આશીર્વાદ માંગતા રાજ્યના વિકાસ માટે છ મોટી ગેરેન્ટી આપવાનો વાયદો કર્યો.



‘ભાજપ સરકાર આવતા જ જૂના કૌભાંડો અને દુષ્કર્મ કેસની ફાઈલો ખોલાશે’


પીએમ મોદીએ કહ્યું કે જો બંગાળમાં ભાજપની સરકાર આવશે તો રાજ્યમાં થયેલા તમામ મોટા કૌભાંડો અને મહિલાઓ સાથે થયેલા અત્યાચારના કેસોની જૂની ફાઈલો ફરી ખોલવામાં આવશે. ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીને તેમને જેલમાં મોકલવામાં આવશે.


તેમણે વધુમાં કહ્યું કે બંગાળની પ્રજાએ હવે બદલાવનો નિર્ણય કરી લીધો છે અને આ ચૂંટણી માત્ર સામાન્ય ચૂંટણી નથી, પરંતુ રાજ્યમાં મોટા પરિવર્તન લાવવાની લડાઈ છે.


વડાપ્રધાને જણાવ્યું કે બંગાળની આ ચૂંટણી રાજ્યનું ખોવાયેલું ગૌરવ અને જૂની ઓળખ પાછી લાવવાની લડાઈ છે. જો રાજ્યનો વિકાસ કરવો હોય તો સૌપ્રથમ હાલની સરકારને સત્તામાંથી દૂર કરવી જરૂરી છે.



પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે જ્યારે આખો દેશ ઝડપથી વિકાસ કરી રહ્યો છે ત્યારે TMCની નીતિઓના કારણે બંગાળ પાછળ ધકેલાઈ રહ્યો છે. એક સમય એવો હતો જ્યારે બંગાળ વેપાર અને ઉદ્યોગમાં દેશને આગળ લઈ જતું હતું, પરંતુ આજે ઘણા ઉદ્યોગ બંધ થઈ ગયા છે અને રોજગારી માટે લોકોને અન્ય રાજ્યોમાં જવું પડે છે.


તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે TMCના શાસનમાં રોજગારી આપતી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે, જ્યારે ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે.


PM મોદીની બંગાળ માટે 6 ગેરેન્ટી


1️⃣ ગુંડાગીરીનો અંત, કાયદાનું રાજ

બંગાળમાં ભય અને આતંકનું વાતાવરણ દૂર કરીને કાયદા પર લોકોનો વિશ્વાસ મજબૂત બનાવાશે.


2️⃣ જવાબદાર સરકારી સિસ્ટમ

પ્રજાની સેવા માટે જવાબદાર અને પારદર્શક સરકારી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.


3️⃣ તમામ જૂના કેસોની ફાઈલો ખોલાશે

કૌભાંડ, ભ્રષ્ટાચાર અને મહિલાઓ સાથે થયેલા અત્યાચારના કેસોની ફરી તપાસ થશે.


4️⃣ ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી

પ્રજાના પૈસા લૂંટનારાઓને કોઈપણ રીતે છોડવામાં નહીં આવે અને તેમને જેલમાં મોકલવામાં આવશે.


5️⃣ ઘૂસણખોરો સામે કડક પગલાં

ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.


6️⃣ સરકારી કર્મચારીઓ માટે સાતમો પગાર પંચ

ભાજપ સરકાર આવતા જ બંગાળમાં સરકારી કર્મચારીઓ માટે સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવશે.

Advertisement