અયોધ્યા: અયોધ્યામાં રામનવમીના પવિત્ર અવસરે આજે એક અદભૂત અને અલૌકિક દ્રશ્ય જોવા મળ્યું હતું, જેણે કરોડો રામભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા છે. બપોરે બરાબર 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં પ્રભુ રામલલાનું ‘સૂર્યતિલક’ કરવામાં આવ્યું હતું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના મસ્તક પર સૂર્યના કિરણો સીધા બિરાજમાન થયા હતા. પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાનું આ બીજું સૂર્યતિલક છે, જે લગભગ 4 મિનિટ સુધી પ્રભુના લલાટ પર તેજસ્વી રીતે ચમકતું રહ્યું હતું. આ દિવ્ય ક્ષણના સાક્ષી બનેલા હજારો ભક્તો ગર્ભગૃહમાં ભાવવિભોર થઈ ગયા હતા અને આખું મંદિર પરિસર 'જય શ્રી રામ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
વિજ્ઞાન અને ભક્તિનો અદભૂત સમન્વય
આ સૂર્યતિલકની પ્રક્રિયા પાછળ વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો અદભૂત સમન્વય જોવા મળ્યો હતો. અષ્ટધાતુના 20 પાઈપની મદદથી તૈયાર કરાયેલી 65 ફૂટ લાંબી ખાસ સિસ્ટમ દ્વારા સૂર્યપ્રકાશને ગર્ભગૃહ સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ સિસ્ટમમાં 4 હાઈ-ટેક લેન્સ અને 4 અરીસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેથી સૂર્યના કિરણો બરાબર પ્રભુના લલાટના મધ્ય ભાગમાં પડે. આ ખાસ ક્ષણે ગર્ભગૃહમાં 14 પૂજારીઓની હાજરીમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય આરતી સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભક્તોનું કીડીયારું ઉભરાયું: દર્શનના સમયમાં વધારો
રામનવમીના આ મહોત્સવમાં સહભાગી થવા માટે અયોધ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. આજે અંદાજે 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ રામલલાના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા છે. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શ્રદ્ધાળુઓ સવારે 5 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી, એટલે કે સતત 18 કલાક સુધી પ્રભુના દર્શન કરી શકશે. અયોધ્યાના રામ પથ અને ભક્તિ પથ પર ભક્તોની કિલોમીટરો લાંબી કતારો જોવા મળી રહી છે, છતાં ભક્તોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પીએમ મોદીએ ડિજિટલ માધ્યમથી લીધા આશીર્વાદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રામનવમીના આ પવિત્ર અવસરે ભગવાન શ્રી રામલલાના ઓનલાઈન દર્શન કર્યા હતા. પીએમ મોદીએ તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ટેબ્લેટ પર રામલલાના 'સૂર્યતિલક'ના દિવ્ય દ્રશ્યો નિહાળ્યા હતા. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક ક્ષણને નિહાળી પીએમ મોદીએ પ્રભુ શ્રી રામના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે આ ક્ષણને અત્યંત ભાવુક ગણાવીને સોશિયલ મીડિયા પર પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી.