અયોધ્યામાં 19 માર્ચે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ યંત્રની સ્થાપના થવાની છે, જે ધાર્મિક દ્રષ્ટિએ ઐતિહાસિક ક્ષણ માનવામાં આવી રહી છે. આ પ્રસંગે દેશભરના સંતો, વૈદિક વિદ્વાનો અને હજારો ભક્તો હાજર રહેશે.
મંદિર ટ્રસ્ટ મુજબ શ્રી રામ યંત્ર મંદિરના ત્રીજા માળે ગર્ભગૃહમાં સ્થાપિત થશે. આ માટે નવ દિવસીય વૈદિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 51 વૈદિક વિદ્વાનો ભાગ લઈ રહ્યા છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
શ્રી રામ યંત્ર એક પવિત્ર વૈદિક યંત્ર છે, જે ભગવાન શ્રી રામની દૈવી શક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા મુજબ જ્યાં આ યંત્ર સ્થાપિત થાય છે ત્યાં સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મકતા દૂર થાય છે.
આ યંત્ર લંબચોરસ ધાતુની પ્લેટ પર બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ દેવતાઓના મંત્રો અને બીજ મંત્રો અંકિત છે. તેને ધર્મ, સત્ય અને આદર્શ જીવનના પ્રતિક રૂપે પણ માનવામાં આવે છે.
અયોધ્યા રામ મંદિરમાં શ્રીરામ યંત્રની સ્થાપના: ભક્તો માટે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવાનો અવસર