ગાંધીનગર: સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી જગદીશ વિશ્વકર્માની ગરિમામય ઉપસ્થિતિમાં તેમણે કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળોનો આજે અંત આવ્યો છે, જેનાથી ઝાલાવાડ પંથકના રાજકારણમાં નવો ગરમાવો આવ્યો છે.
રાજુ કરપડાનો ભાજપમાં પ્રવેશ એક ભવ્ય શક્તિ પ્રદર્શન સમાન રહ્યો હતો. તેઓ સુરેન્દ્રનગરથી ૧૦૦થી વધુ ગાડીઓના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓ અને વિકાસ કાર્યોમાં વિશ્વાસ વ્યક્ત કરતા કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ હવે ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર તરીકે ખેડૂતો અને જનતાની સેવા કરશે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ જોડાણ ભાજપ માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું માનવામાં આવે છે. રાજુ કરપડાના આવવાથી સુરેન્દ્રનગર અને આસપાસના પંથકમાં ખેડૂત મતદારો પર ભાજપની પકડ વધુ મજબૂત બનશે. ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતા નેતાનું સત્તાધારી પક્ષમાં ભળવું એ વિપક્ષ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.