અફઘાનિસ્તાનથી ચીન સુધી નવો જમીનમાર્ગ, વાખાન કોરિડોરમાં વધતી ચીનની હાજરીથી ભારતની નજર

અફઘાનિસ્તાનથી ચીન સુધી નવો જમીનમાર્ગ, વાખાન કોરિડોરમાં વધતી ચીનની હાજરીથી ભારતની નજર

અફઘાનિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતમાં આવેલા વ્યૂહાત્મક વાખાન કોરિડોર મારફતે ચીનના શિનજિયાંગ સુધી પહોંચતો અંદાજે 121 કિલોમીટર લાંબો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગના નિર્માણ પાછળ આશરે 55 લાખ ડૉલરનો ખર્ચ થયો હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ માર્ગને બંને દેશો વચ્ચેના સીધા જમીન સંપર્કની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. અફઘાનિસ્તાન માટે આ રસ્તો માત્ર પરિવહનનું માધ્યમ નહીં, પરંતુ વેપાર અને કુદરતી સંસાધનોને આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચાડવાની નવી તક તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

અફઘાનિસ્તાનની નજર સોના અને ખનિજ પર

તાલિબાન સરકાર અફઘાનિસ્તાનમાં રહેલા કુદરતી સંસાધનો, સોના અને અન્ય ખનિજોને ચીનના બજાર સુધી પહોંચાડવા માટે આ માર્ગનો ઉપયોગ કરવા માગે છે. નવા માર્ગથી પરિવહન સરળ બનશે અને અફઘાનિસ્તાનને વિદેશી કંપનીઓ તથા અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળી શકે છે.

ચીન માટે પણ વાખાન કોરિડોરનું મહત્વ ઓછું નથી. શિનજિયાંગની નજીક આવેલો આ વિસ્તાર વેપાર સાથે સુરક્ષાની દૃષ્ટિએ પણ સંવેદનશીલ માનવામાં આવે છે. આ વિસ્તારમાં ચીનની વધતી સક્રિયતા મધ્ય એશિયામાં તેના વ્યૂહાત્મક હિતોને વધુ મજબૂત કરી શકે છે.

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે માર્ગનું મહત્વ વધ્યું

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવની સ્થિતિ વચ્ચે ચીન સુધી પહોંચતો સીધો માર્ગ કાબુલ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે.

અત્યાર સુધી અફઘાનિસ્તાનના વેપાર માટે પાકિસ્તાન સહિતના અન્ય માર્ગો પર નિર્ભરતા જોવા મળતી હતી. નવા માર્ગથી અફઘાનિસ્તાનને વૈકલ્પિક વેપાર માર્ગ મળી શકે છે.

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અફઘાન વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી સાથેની મુલાકાત દરમિયાન વાખાન વિસ્તારમાં ચાલી રહેલી ગતિવિધિઓ અંગે ભારતની નજર હોવાનું જણાવ્યું હતું.

ભારત માટે કેમ મહત્વપૂર્ણ છે વાખાન કોરિડોર?

વાખાન કોરિડોર ભૌગોલિક રીતે ભારતના દાવાવાળા ગિલગિત-બાલ્ટિસ્તાન વિસ્તારની નજીક છે. આ વિસ્તાર લદ્દાખની ઉત્તરીય સરહદથી પણ બહુ દૂર નથી. તેથી વાખાનમાં ચીનની વધતી હાજરી ભારત માટે વ્યૂહાત્મક ચિંતાનો મુદ્દો બની શકે છે.

ચીન જો આ માર્ગને વેપાર ઉપરાંત લાંબા ગાળાની પ્રાદેશિક કનેક્ટિવિટી માટે વિકસાવે છે, તો મધ્ય એશિયા અને અફઘાનિસ્તાનમાં તેની ભૂમિકા વધુ મજબૂત થઈ શકે છે.

ભારત માટે નવી કૂટનીતિક પડકાર

નિષ્ણાતોના મતે, વાખાનમાં ચીન અને મધ્ય એશિયાના હિતો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે. અફઘાનિસ્તાન-પાકિસ્તાન તણાવ અને ચીનની વધતી સક્રિયતાને કારણે આ કોરિડોરનું વ્યૂહાત્મક મહત્વ આગામી સમયમાં વધુ વધી શકે છે.

આ સ્થિતિમાં ભારત માટે અફઘાનિસ્તાન તેમજ મધ્ય એશિયાના દેશો સાથે કૂટનીતિક અને આર્થિક સંપર્ક વધુ મજબૂત કરવાનો માર્ગ મહત્વપૂર્ણ બની શકે છે. વાખાન કોરિડોરમાં થતા વિકાસ પર ભારતની નજર આગામી સમયમાં વધુ નજીકથી રહેવાની શક્યતા છે.