Advertisement

અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૮ કરોડની નવી શિષ્યવૃત્તિ યોજના મંજૂર

અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓ માટે રૂ. ૧૮ કરોડની નવી શિષ્યવૃત્તિ યોજના મંજૂર

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ અને સામાજિક ન્યાય તથા અધિકારિતા મંત્રી Praduman Vajaના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૬-૨૭ માટે અનુસૂચિત જાતિના કુમાર વિદ્યાર્થીઓને લાભ મળે તે માટે રૂ. ૧૮ કરોડની નવી શિષ્યવૃત્તિ યોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.


આ યોજના હેઠળ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે વાર્ષિક રૂ. ૨.૫૦ લાખથી રૂ. ૬.૦૦ લાખ સુધીની આવક ધરાવતા અનુસૂચિત જાતિના પરિવારોના અંદાજે ૩ હજાર વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે. અત્યાર સુધી કેન્દ્ર સરકારની યોજના મુજબ માત્ર રૂ. ૨.૫૦ લાખ સુધીની આવક ધરાવતા વિદ્યાર્થીઓને જ સહાય મળતી હતી, પરંતુ હવે મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓને પણ શિષ્યવૃત્તિનો લાભ મળી શકશે.


રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી આ યોજના “કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના”ની ગાઈડલાઈન મુજબ અમલમાં રહેશે. પાત્ર વિદ્યાર્થીઓને એકેડેમિક એલાઉન્સ તેમજ માન્ય નોન-રીફન્ડેબલ ફી માટે સહાય આપવામાં આવશે. તમામ સહાય રકમ Direct Benefit Transfer (DBT) પદ્ધતિ દ્વારા સીધી જ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.


યોજનાની પાત્રતા મુજબ ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમ માટે સંબંધિત પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવેલા હોવા જરૂરી રહેશે. સ્નાતક તથા ઉચ્ચ અભ્યાસ માટે પણ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવવાની શરત રાખવામાં આવી છે. અરજીથી મંજૂરી સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન રહેશે અને જરૂરી મોનીટરીંગ માટે સોશિયલ ઓડિટ તથા થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ કરવામાં આવશે.


રાજ્ય સરકારના આ નિર્ણયથી અનુસૂચિત જાતિના મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સહારો મળશે અને શિક્ષણક્ષેત્રે આગળ વધવાની નવી તક પ્રાપ્ત થશે.

Advertisement