અમરેલી જિલ્લામાં મીતીયાળા અભયારણ્ય નજીક ફોલ્ટલાઈન ફરી સક્રિય થતાં એક પછી એક ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આજે સવારે 2.6 અને ગઈકાલે 3.1 તીવ્રતાના આંચકા નોંધાયા હતા, જેના કારણે સાવરકુંડલા-ખાંભા વિસ્તારમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તાજેતરના ભારે માવઠાં બાદ આ વિસ્તારમાં ફરી ભૂકંપી સક્રિયતા વધતા ચિંતા વ્યક્ત થઈ રહી છે.
માહિતી મુજબ, બંને ભૂકંપોનું કેન્દ્રબિંદુ સાવરકુંડલા અને ખાંભા વચ્ચે વાંકિયા ગામ નજીક મીતીયાળા વિસ્તારમાં એક જ સ્થળે નોંધાયું છે. આ આંચકા જમીનની અંદર અલગ-અલગ ઊંડાઈએ નોંધાયા હતા, જેના કારણે આ વિસ્તાર સ્વાર્મ પ્રકારના ભૂકંપ માટે સંવેદનશીલ ગણાય છે. અગાઉ પણ આ વિસ્તારમાં આવા શ્રેણીબદ્ધ આંચકા અને ભેદી અવાજોના કિસ્સાઓ સામે આવ્યા હતા.
વિજ્ઞાનીઓના મત મુજબ, હાઈડ્રોલોજીકલ લોડિંગ એટલે કે ભૂગર્ભમાં પાણીના દબાણમાં વધારો આ પ્રકારના ભૂકંપ માટે જવાબદાર હોઈ શકે છે. સ્વાર્મ પ્રકારના ભૂકંપોમાં સામાન્ય રીતે ઓછી તીવ્રતાના પરંતુ સતત આંચકા આવતા હોય છે, જેનો વિસ્તાર સીમિત હોય છે, છતાં તે લોકોમાં ભય અને અનિશ્ચિતતા પેદા કરે છે.