ઉનાળાની ઋતુ વચ્ચે ગુજરાતના હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે 3 એપ્રિલ સુધી કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આ આગાહી વચ્ચે આજે 29 માર્ચ, 2026ના રોજ સાંજે અમરેલી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાક વિસ્તારોમાં માવઠું નોંધાયું.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ખાંભા અને ગીર પંથકમાં પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના જાબાળ, બાઢડા, મોટા ઝીંઝુડા, સાકરપરા અને અભરામપરા ગામોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો.
તે ઉપરાંત ખાંભા તાલુકાના જીક્યાળી, ધજડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ પડતાં વાતાવરણ ઠંડુ થયું હતું. અચાનક આવેલા આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
ગરમીના સમયમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને આંબાના પાક પર તેની અસર થવાની શક્યતા છે. સાથે જ તલ, બાજરી અને મગફળી જેવા ઉનાળુ પાક પર પણ માવઠાની અસર પડી શકે તેવી આશંકા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.