બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના મુંબઈ સ્થિત બંગલા 'જલસા'ને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુરુવારે સવારે મળેલા એક ઈમેલમાં અમિતાભના બંગલા સહિત મુંબઈની અનેક બેંકોને નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે. છેલ્લા 20 દિવસમાં જલસાને બોમ્બથી ઉડાવવાની ધમકી મળવાનો આ ત્રીજો કિસ્સો છે. ઘટનાને પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ઈમેલમાં બોમ્બ વિસ્ફોટનો ચોક્કસ સમય પણ જણાવાયો
અધિકારીના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે 10:52 વાગ્યે આ ધમકીભર્યો ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમેલના વિષયમાં પંજાબ નેશનલ બેંક (PNB)ની મુંબઈ શાખામાં બપોરે 1:11 વાગ્યે બોમ્બ વિસ્ફોટ થવાની વાત લખવામાં આવી હતી. આ ઉપરાંત ઈમેલમાં 27 નવેમ્બર અને 31 ડિસેમ્બર સહિતની અન્ય તારીખોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઈમેલમાં મુંબઈની અનેક બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સાથે અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા'ને પણ નિશાન બનાવવાની વાત કરવામાં આવી હતી.