અમિતાભ બચ્ચન KBC-18ના સેટ પર લપસ્યા, ઘૂંટણમાં ઈજા; 1982ના ‘કૂલી’ અકસ્માતની યાદો ફરી તાજી

અમિતાભ બચ્ચન KBC-18ના સેટ પર લપસ્યા, ઘૂંટણમાં ઈજા; 1982ના ‘કૂલી’ અકસ્માતની યાદો ફરી તાજી

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને ‘કૌન બનેગા કરોડપતિ 18’ના શૂટિંગ દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે. તાજેતરના એપિસોડની શરૂઆતમાં બિગ બીએ ખુદ આ અંગે દર્શકોને માહિતી આપી હતી. પગમાં દુખાવો હોવાના કારણે આ વખતે તેમણે શોની શરૂઆત સામાન્ય રીતે ઊભા રહીને કરવાને બદલે બેસીને કરી હતી.

અમિતાભ બચ્ચન સામાન્ય રીતે વિંગ્સમાંથી સ્ટેજ તરફ દોડતા-દોડતા આવે છે અને ત્યારબાદ સ્ટેજના મધ્યમાં ઊભા રહીને પોતાના અંદાજમાં એપિસોડની શરૂઆત કરે છે. જોકે, ઈજાને કારણે તેમની આ રૂટિનમાં ફેરફાર જોવા મળ્યો.

શૂટિંગ દરમિયાન પગ લપસી ગયો

અમિતાભે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન તેમનો પગ લપસી ગયો હતો અને તેના કારણે ડાબા ઘૂંટણમાં ઈજા થઈ. તેમણે ઘૂંટણ તરફ ઈશારો કરીને કહ્યું કે સામાન્ય રીતે તેઓ સ્ટેજના સેન્ટરમાં ઊભા રહીને દર્શકો સાથે વાત કરે છે, પરંતુ હાલ ઊભા રહેવામાં થોડી તકલીફ થઈ રહી છે.

જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ઈજા ગંભીર નથી. તેમણે એ પણ જણાવ્યું કે તેઓ કન્ટેસ્ટન્ટ્સ સાથે ઊભા રહીને જ ગેમ હોસ્ટ કરશે.

‘ટાઇમ ટુ રિટાયર’ પોસ્ટથી ચાહકો ચિંતિત થયા હતા

થોડા સમય પહેલાં અમિતાભ બચ્ચનની એક બ્લોગ પોસ્ટ પણ ચર્ચામાં આવી હતી. તેમણે પોતાની પોસ્ટમાં ‘ટાઇમ ટુ રિટાયર’ શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી સોશિયલ મીડિયા પર તેમના નિવૃત્તિ લેવાની અટકળો શરૂ થઈ હતી.

ચાહકોની ચિંતા વધ્યા બાદ અમિતાભે સ્પષ્ટતા કરી હતી કે ‘ટાઇમ ટુ રિટાયર’નો અર્થ કામમાંથી નિવૃત્તિ લેવાનો નહોતો, પરંતુ તેઓ સૂવા જવાના સંદર્ભમાં આ શબ્દો લખ્યા હતા.

વધતી ઉંમર અને શરીરમાં થતા ફેરફારોનો કર્યો હતો ઉલ્લેખ

અમિતાભ બચ્ચન અગાઉ પણ પોતાના બ્લોગ દ્વારા વધતી ઉંમર સાથે આવતી મુશ્કેલીઓ અંગે વાત કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે જે કામો પહેલાં સરળતાથી થઈ જતા હતા, તે હવે કરવા માટે વધારે સાવચેતી અને પ્રયત્નની જરૂર પડે છે.

તેમણે એક પોસ્ટમાં શરીરની ગતિશીલતા અને સામાન્ય દૈનિક કાર્યોમાં પડતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. ડૉક્ટરો દ્વારા તેમને બેસીને કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું, જેથી સંતુલન ગુમાવીને પડી જવાનું જોખમ ન રહે.

‘કૌન બનેગા કરોડપતિ’ સાથે 26 વર્ષથી જોડાયેલા છે બિગ બી

અમિતાભ બચ્ચન વર્ષ 2000થી ‘કૌન બનેગા કરોડપતિ’ સાથે જોડાયેલા છે. શોની ત્રીજી સિઝન શાહરુખ ખાને હોસ્ટ કરી હતી, જ્યારે બાકીની સિઝનમાં અમિતાભ બચ્ચન જ હોસ્ટ તરીકે જોવા મળ્યા છે.

83 વર્ષની ઉંમરે પણ તેઓ સતત કામ કરી રહ્યા છે અને KBCના નવા સીઝનમાં પણ તેમની હાજરી જોવા મળી રહી છે.

1982ના ‘કૂલી’ અકસ્માતે બદલી નાખ્યું હતું જીવન

અમિતાભ બચ્ચનના તાજેતરના ઘૂંટણના અકસ્માત વચ્ચે 1982માં ફિલ્મ ‘કૂલી’ના સેટ પર થયેલો તેમનો જીવલેણ અકસ્માત ફરી ચર્ચામાં આવ્યો છે.

26 જુલાઈ 1982ના રોજ ફિલ્મના એક એક્શન સીન દરમિયાન પુનીત ઈસ્સરને અમિતાભને મુક્કો મારવાનો હતો. સીનમાં અમિતાભને ટેબલ પર પડવાનું હતું. આ સીનમાં બોડી ડબલનો ઉપયોગ થઈ શકતો હતો, પરંતુ અમિતાભે પોતે જ સીન કરવાનો નિર્ણય લીધો.

મુક્કો વાગ્યા બાદ તેઓ ટેબલ પર પડ્યા અને ટેબલનો ખૂણો તેમના પેટના ભાગમાં વાગ્યો. શરૂઆતમાં ઈજાની ગંભીરતા સ્પષ્ટ થઈ નહોતી. અમિતાભને ભારે દુખાવો થતો હોવા છતાં શરૂઆતમાં તેની ચોક્કસ કારણસર સારવાર થઈ શકી નહોતી.

આંતરડામાં ઈજા અને ગંભીર સ્થિતિ

સમય જતાં તેમની તબિયત વધુ ખરાબ થવા લાગી. તપાસ દરમિયાન બાદમાં જાણવા મળ્યું કે ઈજાના કારણે તેમના આંતરડામાં ગંભીર નુકસાન થયું હતું અને પેટની અંદર ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું હતું.

ચોથા દિવસે સર્જન એચ.એસ. ભાટિયાએ કેસની ગંભીરતા સમજીને તાત્કાલિક સર્જરી કરવાની સલાહ આપી હતી. ઑપરેશન પહેલાં અમિતાભને ઊંચો તાવ આવ્યો હતો અને તેમના હાર્ટ રેટમાં પણ મોટો વધારો થયો હતો.

સર્જરી દરમિયાન આંતરડામાં થયેલી ગંભીર ઈજાની પુષ્ટિ થઈ હતી. તેમની સારવાર લાંબી ચાલી અને તેમને લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

દેશભરમાં ચાહકોએ કરી હતી પ્રાર્થના

‘કૂલી’ અકસ્માત બાદ અમિતાભ બચ્ચનની સ્થિતિ ગંભીર હોવાના સમાચાર ફેલાતા દેશભરમાં તેમના ચાહકો ચિંતિત બન્યા હતા. અનેક સ્થળોએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

જયા બચ્ચન પણ અમિતાભના સ્વાસ્થ્ય માટે સિદ્ધિવિનાયક મંદિરે ગઈ હતી. તે સમયે મોટી સંખ્યામાં ચાહકો પણ બિગ બીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

આ ઐતિહાસિક અકસ્માત બાદ અમિતાભ બચ્ચને લાંબી સારવાર અને અનેક સ્વાસ્થ્ય પડકારોનો સામનો કર્યો, પરંતુ ત્યારબાદ તેઓ ફરીથી ફિલ્મો અને ટેલિવિઝન પર સક્રિય થયા.

હાલમાં KBC-18ના સેટ પર થયેલી ઘૂંટણની ઈજા બાદ અમિતાભ બચ્ચન ફરી એકવાર ચર્ચામાં છે. જોકે, શો દરમિયાન તેમણે પોતે જ ઈજા ગંભીર ન હોવાનું જણાવીને ચાહકોને રાહત આપી છે.