Advertisement

અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: માત્ર ૪ વાહનોના કાફલા સાથે પહોંચ્યા, હર્ષ સંઘવી અને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે: માત્ર ૪ વાહનોના કાફલા સાથે પહોંચ્યા, હર્ષ સંઘવી અને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી સમીક્ષા બેઠક

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બે દિવસના હોમ સ્ટેટ ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. પ્રવાસના પ્રથમ દિવસે તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની દક્ષિણ-પશ્ચિમ ઝોન કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ ચર્ચાનો વિષય એ રહ્યો કે, સામાન્ય રીતે મોટા નેતાઓ માટે લાંબો લશ્કરી કાફલો હોય છે, પરંતુ અમિત શાહ પ્રોટોકોલ બાજુ પર મૂકીને માત્ર ચાર વાહનોના સામાન્ય કાફલા સાથે બેઠક સ્થળે પહોંચ્યા હતા, જેને લઈને વહીવટી તંત્રમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.


 આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન અમિત શાહે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં ચાલી રહેલા વિવિધ લોકઉપયોગી અને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ખાસ કરીને ચોમાસા પૂર્વેના આયોજનો, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને જનકલ્યાણની યોજનાઓની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.


 આ હાઈ-લેવલ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસ સહિતના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગ્રાઉન્ડ લેવલની કામગીરીની સમીક્ષા માટે અમદાવાદ કલેક્ટર અને રેલવેના ડીઆરએમ (DRM) પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ રેલવે અને કલેક્ટર હસ્તકના પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.


 પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહ વહીવટી વડાઓ ઉપરાંત સંગઠનના હોદ્દેદારોને પણ મળવાના છે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તાજેતરમાં જ ચૂંટાયેલા નવા કોર્પોરેટરો (કાઉન્સિલરો) સાથે એક ખાસ શુભેચ્છા મુલાકાત કરશે અને લોકસંપર્ક વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડશે. આ પ્રવાસના બીજા દિવસે તેઓ ગાંધીનગર જિલ્લામાં સહકારી ક્ષેત્રના વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે.

Advertisement