અમેરિકામાં થેંક્સગિવિંગ પર વાવાઝોડાનો કહેર: 6 હજારથી વધુ ફ્લાઇટ્સ મોડી, 150 રદ; મિયામી એરપોર્ટ પર કાર્ગો વિમાન રનવે પરથી લપસ્યું

અમેરિકામાં થેંક્સગિવિંગ પર વાવાઝોડાનો કહેર: 6 હજારથી વધુ ફ્લાઇટ્સ મોડી, 150 રદ; મિયામી એરપોર્ટ પર કાર્ગો વિમાન રનવે પરથી લપસ્યું

અમેરિકામાં થેંક્સગિવિંગ તહેવારની રજાઓ દરમિયાન ખરાબ હવામાન અને વાવાઝોડાએ જનજીવનને અસર કરી છે. દેશના પૂર્વ અને પશ્ચિમ કિનારાના વિસ્તારોમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે હવાઈ મુસાફરી ખોરવાઈ છે. બુધવારે 6,000થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી, જ્યારે આશરે 150 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ, દરિયામાં ઊંચાં મોજાં ઉછળતાં અનેક તટીય વિસ્તારોમાં પૂરનું જોખમ ઊભું થયું છે.

કેલિફોર્નિયા સહિતના રાજ્યોમાં સંભવિત પૂર સામે તૈયારી શરૂ કરવામાં આવી છે. ખરાબ હવામાનની અસર હવાઈ મુસાફરી ઉપરાંત જાહેર કાર્યક્રમો પર પણ જોવા મળી રહી છે.

14 વર્ષમાં સૌથી ઊંચું દરિયાઈ જળસ્તર નોંધાવાની આશંકા

અમેરિકાના પશ્ચિમ કિનારે દરિયામાં ઊંચાં મોજાં ઉછળવાને કારણે દરિયાકિનારાનાં માળખાંને નુકસાન થયું છે. સેન ડિયેગોની આસપાસ દરિયાનું પાણી અગાઉના રેકોર્ડ કરતાં પણ ઊંચે પહોંચ્યું હોવાના અહેવાલ છે. પરિણામે આસપાસના તટીય વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે.

બીજી તરફ, પૂર્વ કિનારે વર્ષ 2012માં આવેલા સુપરસ્ટોર્મ સૅન્ડી બાદ સૌથી ઊંચું દરિયાઈ જળસ્તર નોંધાઈ શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ડેલાવેર અને ન્યૂજર્સીના કેટલાક વિસ્તારોમાં ભારે પવનને કારણે વીજ પુરવઠો ખોરવાવાની પણ શક્યતા છે.

અમેરિકાના મધ્ય ભાગોમાં બુધવારથી શુક્રવાર દરમિયાન વરસાદ અને હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. જ્યારે પેસિફિક નોર્થવેસ્ટ વિસ્તારમાં બુધવાર રાતથી ભારે પવન સાથે વરસાદનો વધુ એક દોર શરૂ થવાની શક્યતા છે.

થેંક્સગિવિંગની રજાઓમાં મુસાફરોની મુશ્કેલી વધી

અમેરિકામાં થેંક્સગિવિંગ દરમિયાન લાખો લોકો પરિવાર અને મિત્રો સાથે તહેવાર મનાવવા માટે એક શહેરથી બીજા શહેરમાં મુસાફરી કરે છે. જોકે, આ વખતે ખરાબ હવામાનને કારણે મુસાફરીનું આયોજન ખોરવાયું છે. અનેક એરપોર્ટ પર ફ્લાઇટ્સ મોડી પડતાં મુસાફરોને લાંબી રાહ જોવી પડી રહી છે.

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ પણ ચેતવણી આપી છે કે થેંક્સગિવિંગના દિવસે ઉત્તર-પૂર્વી અમેરિકામાં ખરાબ હવામાનને કારણે વિમાની સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. એક ટ્રાવેલ વેબસાઇટના જણાવ્યા અનુસાર, આ સમયગાળા દરમિયાન એટલાન્ટા એરપોર્ટ સૌથી વધુ વ્યસ્ત રહેવાની શક્યતા છે.

ન્યૂયોર્કની 100મી થેંક્સગિવિંગ પરેડ મુલતવી

ખરાબ હવામાનની અસર તહેવારના કાર્યક્રમો પર પણ પડી છે. ન્યૂયોર્કમાં યોજાનારી પ્રખ્યાત થેંક્સગિવિંગ ડે પરેડને શનિવાર સુધી મુલતવી રાખવામાં આવી છે. આ પરેડનું 100મું વર્ષ હોવાથી નિર્ણયને ખાસ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

ન્યૂયોર્કના મેયર ઝોહરાન મામદાનીએ જણાવ્યું હતું કે ભારે પવન અને ખરાબ હવામાનના જોખમને ધ્યાનમાં રાખીને લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે પરેડના આયોજક મેસીઝને પણ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.

આ ઉપરાંત ફિલાડેલ્ફિયામાં યોજાનારી થેંક્સગિવિંગ પરેડ પણ રદ કરવામાં આવી છે. NBC દ્વારા આજે વર્ષ 2025ની પરેડનું પ્રસારણ કરવામાં આવશે.

મિયામી એરપોર્ટ પર FedExનું કાર્ગો વિમાન રનવે પરથી આગળ નીકળ્યું

મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારે રાત્રે એક અલગ ઘટના પણ બની હતી. FedExનું કાર્ગો વિમાન ભારે વરસાદ દરમિયાન લેન્ડિંગ કર્યા બાદ રનવેની મર્યાદા પાર કરીને આગળ નીકળી ગયું હતું.

આ ઘટના રાત્રે આશરે 8:40 વાગ્યે બની હતી. અકસ્માત બાદ એરપોર્ટના ચાર પૈકી ત્રણ રનવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં મિયામી-ડેડ ફાયર રેસ્ક્યૂની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.

હવે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, થેંક્સગિવિંગની રજાઓ દરમિયાન અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોવાથી ખરાબ હવામાનની અસર હવાઈ સેવાઓ, તટીય વિસ્તારો અને જાહેર કાર્યક્રમો પર પડી રહી છે. આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર તંત્રની નજર રહેશે.