અમેરિકાના ઇલિનોયમાં હિંદુ મંદિર પર હુમલાની કથિત યોજના બનાવવાના આરોપસર 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ઘરેથી રાઇફલ, ગોળીઓ અને ભરેલી મેગેઝિન મળી આવ્યાનો દાવો છે. તપાસમાં ભારતીય મૂળના લોકો વિરુદ્ધ નફરતભર્યા સંદેશાઓ અને હિંસાનો ઉલ્લેખ ધરાવતા દસ્તાવેજની વિગતો પણ સામે આવી છે.
અમેરિકા: અમેરિકાના ઇલિનોય રાજ્યમાં હિંદુ ધાર્મિક સ્થળને નિશાન બનાવવાના કથિત કાવતરાને લઈને સુરક્ષા એજન્સીઓએ કાર્યવાહી કરી છે. આ મામલે અલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ નામના 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ભારતીય મૂળના લોકો પ્રત્યે નફરત ધરાવતો હતો અને ઓરોરા વિસ્તારમાં આવેલા કોઈ હિંદુ મંદિર અથવા અન્ય ધાર્મિક સ્થળ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હોવાની આશંકા છે.
એક વ્યક્તિના મેસેજથી સમગ્ર મામલો સામે આવ્યો
પાલાટાઇન પોલીસના જણાવ્યા અનુસાર, 11 ઓક્ટોબરે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસને એક વ્યક્તિએ માહિતી આપી હતી. આ વ્યક્તિને આરોપી તરફથી કેટલાક મેસેજ મળ્યા હતા, જેમાં એક દસ્તાવેજ પણ સામેલ હતો. આ દસ્તાવેજમાં હિંદુ મંદિરમાં ગોળીબાર કરવાની કથિત યોજનાનો ઉલ્લેખ હતો.
માહિતી મળ્યા બાદ પાલાટાઇન અને માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપીને તેના ઘરેથી બહાર નીકળતી વખતે પકડી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેના નિવાસસ્થાને તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, ઘરમાંથી એક રાઇફલ, ભરેલી અનેક મેગેઝિન અને ગોળીઓ મળી આવી હતી. ઉપરાંત, આરોપીના એક જેકેટ પર એવું પ્રતીક પણ જોવા મળ્યું હતું, જે શ્વેત જાતિને સર્વોપરી માનતી ઉગ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલું હોવાનું જણાવાયું છે.
ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસાનો ઉલ્લેખ
આ કેસમાં અમેરિકાની તપાસ એજન્સી FBIએ પણ તપાસ હાથ ધરી છે. તપાસ એજન્સીઓએ આરોપીના મેસેજ અને તેની સાથે જોડાયેલા દસ્તાવેજની તપાસ કરતાં તેમાં જાતિવાદી તથા ઉગ્રવાદી વિચારધારા સંબંધિત બાબતો હોવાની માહિતી આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, દસ્તાવેજમાં દક્ષિણ એશિયાઈ લોકો અને ખાસ કરીને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસાનો ઉલ્લેખ હતો. તપાસકર્તાઓને આશંકા છે કે આરોપી ઓરોરા વિસ્તારમાં આવેલા હિંદુ મંદિર અથવા અન્ય ધાર્મિક સ્થળને નિશાન બનાવવાની યોજના ઘડી રહ્યો હતો. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંબંધિત મંદિરનું નામ જાહેર કરવામાં આવ્યું નથી.
સાવચેતીના ભાગરૂપે પોલીસે પોતાના વિસ્તારમાં આવેલા હિંદુ ધાર્મિક સ્થળોને સંભવિત જોખમ અંગે જાણ કરી હતી.
આતંકવાદી ધમકી અને ગેરકાયદેસર હથિયાર રાખવાના આરોપ
આરોપી સામે આતંકવાદી ધમકી આપવા અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા સહિતના આરોપો મૂકવામાં આવ્યા છે. કોર્ટમાં સુનાવણી બાદ ન્યાયાધીશે તેને કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
પાલાટાઇન પોલીસ પ્રમુખ વિલિયમ નોર્ડે જણાવ્યું હતું કે મળેલી માહિતીના આધારે સ્થાનિક પોલીસ વિભાગોએ તાત્કાલિક સંકલન કરીને કાર્યવાહી કરી હતી. બીજી તરફ, FBI શિકાગોના અધિકારી રયાન વ્હેલને જણાવ્યું કે એજન્સી ઉગ્રવાદી વિચારધારા સાથે જોડાયેલી હિંસાની ધમકીઓની ઓળખ કરવા અને તેની તપાસ માટે સ્થાનિક પોલીસ સાથે મળીને કામ કરે છે.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશને પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોલીસની ઝડપી કાર્યવાહી બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. સંગઠને લોકોને સતર્ક રહેવા અને કોઈ સંભવિત જોખમ જણાય તો સંબંધિત અધિકારીઓને જાણ કરવા અપીલ કરી હતી. આ કેસમાં તપાસ હજુ ચાલુ છે અને આગળ વધુ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
ઓહાયોમાં પણ હિંદુ મંદિર પર હુમલાની ઘટના
અમેરિકામાં હિંદુ ધાર્મિક સ્થળોની સુરક્ષાને લઈને ચિંતા વચ્ચે ઓહાયોમાં બનેલી બીજી ઘટનાનો પણ ઉલ્લેખ સામે આવ્યો છે. રિચમંડ હાઇટ્સ સ્થિત શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, બપોરે આશરે 1:30 વાગ્યે મંદિર પર ઈંટો ફેંકવામાં આવી હતી. કોઅલિશન ઑફ હિંદુઝ ઑફ નોર્થ અમેરિકાએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મંદિરની બારીઓને નુકસાન પહોંચ્યું હતું. ઘટના સમયે મંદિરની અંદર પૂજારી અને અનેક શ્રદ્ધાળુઓ હાજર હતા.
સંગઠનના જણાવ્યા અનુસાર, ઘટનાના CCTV ફૂટેજ ઉપલબ્ધ છે અને અધિકારીઓ તેની તપાસ કરી રહ્યા છે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને આ ઘટનાને સંભવિત હેટ ક્રાઇમ ગણાવીને તપાસની માંગ કરી હતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં મંદિરોમાં તોડફોડની અનેક ઘટનાઓ
હિંદુ સ્વયંસેવક સંઘ USAના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમેરિકામાં હિંદુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડની 15થી વધુ ઘટનાઓ બની છે. તેમાં BAPSનાં છ મંદિરોનો પણ સમાવેશ થતો હોવાનું સંગઠને જણાવ્યું છે.
અમેરિકામાં અગાઉ બનેલી કેટલીક નોંધપાત્ર ઘટનાઓ આ પ્રમાણે છે:
ઓગસ્ટ 2022: ન્યૂયોર્કના ક્વીન્સમાં આવેલા શ્રી તુલસી મંદિરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
ડિસેમ્બર 2023: કેલિફોર્નિયાના નેવાર્કમાં આવેલા SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર નફરતભર્યાં લખાણો લખવામાં આવ્યાં હતાં.
સપ્ટેમ્બર 2024: ન્યૂયોર્કના મેલવિલ અને કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં આવેલા BAPS મંદિરોમાં તોડફોડની ઘટનાઓ નોંધાઈ હતી.
માર્ચ 2025: કેલિફોર્નિયાના ચિનો હિલ્સમાં આવેલા BAPS મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યાં વાંધાજનક સંદેશાઓ લખવામાં આવ્યા હતા.
હિંદુ-અમેરિકન સમુદાયની સુરક્ષાને લઈને ચિંતા
હિંદુ અમેરિકન ફાઉન્ડેશન અને અન્ય સંગઠનોએ અમેરિકામાં હિંદુ સમુદાય વિરુદ્ધ નફરતભર્યાં નિવેદનો તથા ધાર્મિક સ્થળો પરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંગઠનોએ કાયદા અમલીકરણ એજન્સીઓને આવા બનાવોમાં તાત્કાલિક તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની અપીલ કરી છે.
ઇલિનોયમાં સામે આવેલા કથિત હુમલાના કાવતરાએ ફરી એકવાર ધાર્મિક સ્થળોની સુરક્ષા અને જાતિવાદી ઉગ્રવાદ સામેની કાર્યવાહી અંગે સવાલો ઊભા કર્યા છે. હાલ આ કેસમાં પોલીસ અને FBIની તપાસ ચાલુ છે.