આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના પીપળી ગામે મૂળ તારાપુરના વતની અને અમેરિકા સ્થિત ઉદ્યોગપતિ ડૉ. પ્રવીણ એચ. પટેલે રૂ. 2.75 કરોડના ખર્ચે અદ્યતન સરકારી પ્રાથમિક શાળા ભવનનું નિર્માણ કરાવ્યું છે. આ શાળા તેમણે પોતાની માતા તારાબા અને માસી શારદાબાના નામે ભેટ આપી છે.
બુધવારે આ શાળાના લોકાર્પણનો સમારોહ યોજાયો હતો. આ ભવન 7,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં એ જ સ્થળે ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં તેમની માતા અને માસીએ પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું.
આ કાર્યક્રમમાં દુબઈથી શેખ મક્યૂમ બિન સુહૈલ અલ મક્લૂમના પ્રાઈવેટ એડવાઈઝર મિસ્ટર ઓમર અલ મરઝૂકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, ભાજપના જિલ્લા પ્રમુખ સંજય પટેલ અને શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ સોલંકીએ પણ શાળાની મુલાકાત લઈ આ કાર્યની પ્રશંસા કરી હતી.
માત્ર એક વર્ષના ટૂંકા ગાળામાં નિર્મિત આ અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળા સરકારને સોંપવામાં આવશે. શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ્સ, CCTV સુરક્ષા વ્યવસ્થા, સુસજ્જ ઓફિસ, શિક્ષક રૂમ અને વિશાળ આધુનિક વર્ગખંડો જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.
આ સેવાકાર્યથી પીપળી ગામ સહિત સમગ્ર પંથકમાં શિક્ષણના સ્તરમાં સુધારો થવાની અપેક્ષા છે. ગ્રામજનો માને છે કે આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ગુણવત્તાસભર શિક્ષણનો મજબૂત આધાર મળશે.