અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પ્રગતિ સ્કૂલનો એક શિક્ષક વિવાદમાં આવ્યો છે. ધોરણ-10ની વિદ્યાર્થિનીને નકલી Instagram ID મારફતે અશ્લીલ મેસેજ મોકલ્યાના આક્ષેપો બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. આ ઘટનાને લઈને શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી એક વિદ્યાર્થિનીને નકલી Instagram એકાઉન્ટ પરથી અશ્લીલ અને વાંધાજનક મેસેજ મળી રહ્યા હોવાનો આક્ષેપ છે. સતત મેસેજથી કંટાળેલી વિદ્યાર્થિનીએ આ અંગે પોતાના મિત્રને જાણ કરી હતી.
ત્યારબાદ વિદ્યાર્થિનીના મિત્રે સમગ્ર મામલે તપાસ કરતાં આ Instagram એકાઉન્ટ પાછળ શાળાના જ કોમ્પ્યુટર શિક્ષક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. શિક્ષકના મોબાઇલ ફોનની તપાસ દરમિયાન અલગ-અલગ નકલી Instagram ID હોવાની માહિતી પણ સામે આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મામલો સામે આવ્યા બાદ શિક્ષક અને વિદ્યાર્થિનીના મિત્ર વચ્ચે શાળામાં જ બોલાચાલી થઈ હતી. આ દરમિયાન શિક્ષક સાથે મારામારી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોવાનું પણ સામે આવ્યું છે.
આ ઘટનાને પગલે શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે સવાલો ઉઠ્યા છે. જોકે, સમગ્ર મામલે પોલીસ તપાસ અથવા સત્તાવાર ફરિયાદ બાદ જ આક્ષેપોની હકીકત સ્પષ્ટ થશે.