અમદાવાદમાં બુધવારે, 7 ઓક્ટોબરે અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેઇલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. ધમકીની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, પોલીસ, ફાયર બ્રિગેડ અને 108ની ટીમો સંબંધિત સ્કૂલો ખાતે પહોંચી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વહેલા રજા આપી વાલીઓને બોલાવી બાળકોને ઘરે મોકલવામાં આવ્યા હતા. ઘટનાને પગલે વાલીઓમાં પણ ચિંતા અને દોડધામનો માહોલ જોવા મળ્યો હતો.
ઈમેઇલમાં સ્કૂલોને નિશાન બનાવવાની ધમકી
મળેલી માહિતી મુજબ, ધમકીભર્યા ઈમેઇલમાં ખાલિસ્તાન ઝિંદાબાદ જેવા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઈમેઇલમાં ગુજરાતની કેટલીક સ્કૂલોને ચોક્કસ સમય દરમિયાન નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત ઈમેઇલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને દિલ્હીના JLN સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમો સ્કૂલે પહોંચી
ધમકીની જાણ થતાં જ પોલીસ દ્વારા સંબંધિત સ્કૂલોની સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો પણ સ્થળ પર પહોંચી હતી. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્કૂલ પ્રશાસન દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા.
ઝાયડસ સહિતની કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વહેલા છોડી દેવામાં આવ્યા હતા. વાલીઓને જાણ કરી બાળકોને તેમની સાથે ઘરે મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ સ્કૂલોને મળ્યો ધમકીભર્યો ઈમેઇલ
મળેલી માહિતી પ્રમાણે અમદાવાદની નીચેની સ્કૂલોના નામ સામે આવ્યા છે:
- ઝાયડસ સ્કૂલ, વેજલપુર
- બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઇટ
- SGVP સ્કૂલ, છારોડી
- સંત કબીર સ્કૂલ, નવરંગપુરા
- એશિયા સ્કૂલ, થલતેજ
- એચ.બી. કાપડિયા સ્કૂલ, મેમનગર
- મહાત્મા ગાંધી ઈન્ટરનેશનલ સ્કૂલ, મીઠાખળી
- દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ
AMC ઓફિસને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી
સ્કૂલો બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ વિસ્તારમાં આવેલી કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની માહિતી સામે આવી છે.
ધમકી બાદ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ કચેરી ખાતે પહોંચી હતી. કોર્પોરેશનની સિક્યુરિટી દ્વારા કચેરીમાં આવતા લોકોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરૂપે મુલાકાતીઓની તપાસ કરવામાં આવી રહી છે.
DEOએ સ્કૂલોને આપી ખાસ સૂચના
અમદાવાદના DEO રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, તમામ સંબંધિત સ્કૂલોને સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ન સર્જાય તેનું ધ્યાન રાખીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢી વાલીઓને સોંપવા જણાવાયું છે.
હાલ ધમકીભર્યા ઈમેઇલની વિશ્વસનીયતા અને તેના સ્ત્રોત અંગે પોલીસ તથા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સ્કૂલો અને સરકારી કચેરીઓમાં સાવચેતીના ભાગરૂપે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.