Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL 2026ની ફાઈનલ, BCCIએ છેલ્લી ઘડીએ બદલ્યો નિર્ણય

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL 2026ની ફાઈનલ, BCCIએ છેલ્લી ઘડીએ બદલ્યો નિર્ણય

IPL 2026ની ફાઈનલ મેચના સ્થળને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉના નિયમ મુજબ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર ફાઈનલ રમાવાની હોવાથી બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને યજમાની મળવાની હતી, પરંતુ હવે BCCIએ આ નિર્ણય બદલીને ફાઈનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજવાનો નિર્ણય કર્યો છે.


વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાતા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે 31 મેના રોજ IPL 2026ની ગ્રાન્ડ ફાઈનલ રમાશે. પ્લેઓફ માટે જાહેર થયેલી યાદી મુજબ આ વખતે અમદાવાદ ઉપરાંત ધર્મશાલા અને ન્યૂ ચંદીગઢને પણ મહત્વપૂર્ણ મેચોની યજમાની સોંપવામાં આવી છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર બેંગલુરુમાં તાજેતરમાં ઉભા થયેલા ટિકિટ વિવાદ અને મેનેજમેન્ટ સંબંધિત મુદ્દાઓને કારણે BCCIએ સ્થળ બદલવાનો નિર્ણય લીધો છે. સ્થાનિક એસોસિએશન અને સત્તાવાળાઓ દ્વારા કેટલીક એવી માંગણીઓ કરવામાં આવી હતી, જે BCCIના નક્કી કરાયેલા પ્રોટોકોલની બહાર હોવાનું કહેવાય છે. આ કારણે આખરે ફાઈનલની યજમાની અમદાવાદને આપવામાં આવી છે.


BCCIએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે ઓપરેશનલ અને લોજિસ્ટિકલ કારણોને ધ્યાનમાં રાખીને આ સિઝનમાં પ્લેઓફની મેચો ત્રણ અલગ-અલગ સ્થળોએ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


IPL 2026 પ્લેઓફ શેડ્યૂલ મુજબ ક્વોલિફાયર-1 ધર્મશાલામાં રમાશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર-2 ન્યૂ ચંદીગઢમાં યોજાશે. હવે ક્રિકેટ ચાહકોની નજર 31 મેના રોજ અમદાવાદમાં યોજાનારી આ ભવ્ય ફાઈનલ પર ટકેલી છે.

Advertisement