Advertisement

અમદાવાદમાં સુભાષ બ્રિજના પુનર્નિર્માણની તૈયારી: જૂનો બ્રિજ તોડવા સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

અમદાવાદમાં સુભાષ બ્રિજના પુનર્નિર્માણની તૈયારી: જૂનો બ્રિજ તોડવા સાબરમતી નદી ખાલી કરાશે, 235 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

અમદાવાદ શહેરના ટ્રાફિક માટે મહત્વનો ગણાતો સુભાષ બ્રિજ હવે તોડી તેના સ્થાને 235 કરોડ રૂપિયાના ખર્ચે નવો અને આધુનિક બ્રિજ બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જૂના બ્રિજનો સ્પાન બેસી જતાં તેને જોખમી જાહેર કરાયો છે અને તેને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ કામને સરળ બનાવવા માટે 1 એપ્રિલથી 15 જૂન સુધીના સમયગાળા દરમિયાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી રાખવામાં આવશે, કારણ કે વાસણા બેરેજના દરવાજાઓમાં રિપેરિંગ અને નવા દરવાજા મૂકવાની કામગીરી પણ થવાની છે. નદી ખાલી હોવાથી બ્રિજ તોડતી વખતે તેનો કાટમાળ નદીના પટમાં જ એકત્ર કરી સરળતાથી દૂર કરી શકાશે. સુભાષ બ્રિજ જૂની બેલેન્સ કેન્ટી લિવર પદ્ધતિથી બનેલો હોવાથી તેના છ સ્પાન તોડવા માટે ખાસ ટેકનિક તૈયાર કરાઈ છે અને એપ્રિલ મહિનાથી બ્રિજના ઉપરના સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી શરૂ થવાની છે. હાલ બ્રિજની આસપાસ સોઈલ ટેસ્ટિંગ અને માપણીની કામગીરી ચાલી રહી છે જેથી નવા બ્રિજની મજબૂત ડિઝાઇન તૈયાર કરી શકાય, જ્યારે સમગ્ર પ્રોજેક્ટ જાન્યુઆરી 2027 સુધી પૂર્ણ કરીને જનતા માટે ખુલ્લો મૂકવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Advertisement