અમદાવાદમાં ‘સાચી નવરાત્રિ’માં ગરબાના રંગમાં ભંગ: કલાકો સુધી રાહ જોયા બાદ ખેલૈયાઓનો હોબાળો, તોડફોડ; ત્રીજા નોરતે ગરબા થશે કે નહીં?

અમદાવાદમાં ‘સાચી નવરાત્રિ’માં ગરબાના રંગમાં ભંગ: કલાકો સુધી રાહ જોયા બાદ ખેલૈયાઓનો હોબાળો, તોડફોડ; ત્રીજા નોરતે ગરબા થશે કે નહીં?

નવરાત્રિના બીજા નોરતે અમદાવાદમાં જીગરદાન ગઢવીની ‘સાચી નવરાત્રિ’નું આયોજન વિવાદમાં સપડાયું હતું. ન્યૂ સાયન્સ સિટી રોડ પર આવેલા ગરબા સ્થળે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબા રમવા પહોંચ્યા હતા, પરંતુ પોલીસની મંજૂરી ન મળતાં ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. કલાકો સુધી એન્ટ્રી ગેટ પર રાહ જોયા બાદ ગરબા રમવાની તક ન મળતાં ખેલૈયાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. આ દરમિયાન કેટલાક ખેલૈયાઓએ હોબાળો મચાવી એન્ટ્રી ગેટ, પોસ્ટર, બેનર અને લાઇટ સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી હતી.

કલાકો સુધી રાહ જોઈ, છતાં ગરબા રમવા ન મળ્યા

બીજા નોરતે ગરબા રમવા માટે ખેલૈયાઓ રાત્રે 8 વાગ્યાથી જ સ્થળ પર પહોંચવા લાગ્યા હતા. જોકે, આયોજકો તરફથી પ્રવેશ અંગે સ્પષ્ટતા ન થતાં ખેલૈયાઓને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. શરૂઆતમાં થોડા સમયમાં પ્રવેશ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું, પરંતુ રાત્રે 10 વાગ્યા સુધી પણ એન્ટ્રી શરૂ ન થતાં લોકોનો ગુસ્સો વધ્યો હતો.

ત્યારબાદ રોષે ભરાયેલા કેટલાક ખેલૈયાઓએ એન્ટ્રી ગેટ તોડીને સ્થળની અંદર પ્રવેશ કર્યો હતો. સ્થળ પર હોબાળો થયો હતો અને ખેલૈયાઓએ રિફંડની માગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. અંતે ગરબા નહીં યોજાય અને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવતાં ખેલૈયાઓએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું.

મંજૂરીના અભાવે અટક્યું આયોજન

મળતી માહિતી મુજબ, પ્રથમ નોરતેથી જ ‘સાચી નવરાત્રિ’ના આયોજનને લઈને મંજૂરીનો મુદ્દો ચર્ચામાં હતો. પ્રથમ દિવસે ફાયર વિભાગની મંજૂરી વિના ગરબા યોજાયાની વાત સામે આવી હતી. બીજા દિવસે ફાયર વિભાગની ટીમે સ્થળની તપાસ કર્યા બાદ સાંજે આશરે 7 વાગ્યે NOC આપી હતી.

જોકે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ન મળવાને કારણે પોલીસ તરફથી જરૂરી મંજૂરી મળી શકી નહોતી. આયોજકોને સાંજ સુધીમાં પરવાનગી મળી જવાની આશા હતી, પરંતુ અંતિમ સમય સુધી મંજૂરી ન મળતાં ગરબાનું આયોજન અટકી ગયું હતું.

ખેલૈયાઓનો આક્ષેપ: અગાઉથી જાણ કરી હોત તો સમય અને પૈસા ન બગડત

ગરબા રમવા પહોંચેલી હેલી પટેલે જણાવ્યું હતું કે તેમણે પાસ ખરીદીને આયોજનમાં ભાગ લેવા માટે તૈયારી કરી હતી, પરંતુ સ્થળ પર પહોંચ્યા બાદ પ્રવેશ બંધ હોવાની જાણ થઈ હતી. તેમના જણાવ્યા અનુસાર, જો ગરબા યોજવાના ન હતા તો ખેલૈયાઓને અગાઉથી જાણ કરવી જોઈતી હતી, જેથી તેઓ પોતાના સમય અને પૈસા બગડતા બચાવી શકત.

બીજી ખેલૈયા પ્રાંજલે પણ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ માત્ર ફોટા પડાવવા નહીં, પરંતુ ગરબા રમવા માટે તૈયાર થઈને આવ્યા હતા. છેલ્લી ઘડીએ ગરબા રદ થતાં તેઓ અન્ય સ્થળે પણ જઈ શક્યા નહીં અને તેમનો આખો દિવસ બગડ્યો હતો.

તોડફોડ અને નુકસાનની ઘટના

ગરબા નહીં યોજાય તેવી જાહેરાત બાદ સ્થળ પર રોષ વધુ જોવા મળ્યો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ બેનર, પોસ્ટર અને લાઇટને નુકસાન પહોંચાડ્યું હતું. CCTV સહિતની વસ્તુઓમાં પણ તોડફોડ થઈ હોવાના અહેવાલ છે. કેટલાક ખેલૈયાઓ મંડપની સામગ્રી અને લાઇટો લઈ જતા હોવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા.

આયોજકોએ માફી માગી, રિફંડની જાહેરાત કરી

બીજા નોરતે ગરબા યોજવામાં નિષ્ફળ રહેતાં ‘સાચી નવરાત્રિ’ના આયોજકોએ સોશિયલ મીડિયા મારફતે ખેલૈયાઓની માફી માગી હતી. સ્થળ પરની તમામ વ્યવસ્થાઓની ચકાસણી માટે સમય લાગ્યો હોવાને કારણે ગરબાનું આયોજન થઈ શક્યું ન હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ ટિકિટ બુક કરાવનાર ખેલૈયાઓને રકમ પરત કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.

જોકે, ટિકિટના પૈસા પરત મેળવવાની ચોક્કસ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા ન થતાં ખેલૈયાઓમાં અસમંજસ જોવા મળી રહી છે. ખાસ કરીને શો મેટ એપ મારફતે ટિકિટ બુક કરાવનારા લોકો રિફંડ કેવી રીતે મેળવવું તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે.

ત્રીજા નોરતે ગરબા યોજાશે કે નહીં?

સૌથી મોટો સવાલ હવે એ છે કે 13 ઑક્ટોબરે ત્રીજા નોરતે ‘સાચી નવરાત્રિ’માં ગરબાનું આયોજન થશે કે નહીં. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ અને પોલીસની જરૂરી મંજૂરી અંગેની સ્થિતિ સ્પષ્ટ થયા બાદ જ આયોજનનું ચિત્ર સ્પષ્ટ થશે. બીજી તરફ, આયોજકોએ સોશિયલ મીડિયા પર ત્રીજા નોરતે ગરબા યોજવા તૈયાર હોવાની પોસ્ટ મૂકી છે.

હવે ખેલૈયાઓની નજર આયોજકોની આગામી જાહેરાત અને જરૂરી મંજૂરી પર છે. નવરાત્રિના ઉત્સાહ વચ્ચે ઊભા થયેલા આ વિવાદનો અંત ક્યારે આવશે અને ખેલૈયાઓને ગરબે ઘૂમવાની તક મળશે કે નહીં, તે જોવું રહ્યું.