ગુજરાતમાં નવરાત્રિના પર્વની શરૂઆત પહેલાં જ ગરબાનો માહોલ જામી રહ્યો છે. અમદાવાદમાં આ વખતે ‘સાચી નવરાત્રિ 2026’ ખાસ આકર્ષણનું કેન્દ્ર બનવા જઈ રહી છે. ‘ચણિયાચોળી’ જેવા લોકપ્રિય ગીતથી જાણીતા ગાયક જીગરદાન ગઢવી, જેને ચાહકો જીગરા તરીકે ઓળખે છે, તેઓ આ નવરાત્રિમાં સતત 10 દિવસ સુધી AC ડોમમાં પર્ફોર્મન્સ આપશે. 10 ઓક્ટોબરથી પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન સાથે આ મહોત્સવનો પ્રારંભ થશે.
આ આયોજનને લઈને જીગરદાન ગઢવી ખાસ ઉત્સાહિત છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે નવરાત્રિની વિશેષ થીમ, પોતાના લોકપ્રિય ગીતો, અંગત જીવન, ફિટનેસ અને સ્ટેજ પરના યાદગાર અનુભવો વિશે રસપ્રદ વાતો શેર કરી હતી.
51 શક્તિપીઠની થીમ પર તૈયાર થયો ગરબાનો અનોખો અનુભવ
જીગરદાન ગઢવીએ જણાવ્યું કે, લાંબા સમયથી તેમના મનમાં 51 શક્તિપીઠની પ્રતિકૃતિને ગરબાના આયોજન સાથે જોડવાનો વિચાર હતો. અત્યાર સુધી તેમણે 51 શક્તિપીઠમાંથી માત્ર અંબાજીમાં જ દર્શન કર્યાં છે. આ વિચારને સાકાર કરીને ખેલૈયાઓને માતાજીની ભક્તિ સાથે ગરબાનો અનોખો અનુભવ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તેમના જણાવ્યા અનુસાર, ડોમમાં પ્રવેશતાં જ ખેલૈયાઓને 51 શક્તિપીઠની ઝાંખી જોવા મળશે. આ રીતે ભક્તિ, આસ્થા અને ગરબાને એકસાથે જોડીને એવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ છે, જેમાં ખેલૈયાઓ માતાજીના સાંનિધ્યમાં ગરબા રમતા હોય તેવી અનુભૂતિ કરી શકે.
‘ચણિયાચોળી’ ગીતને બહેનોએ સુપરહિટ બનાવ્યું
જીગરદાન ગઢવીનું ‘ચણિયાચોળી’ ગીત લોકોમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. આ ગીતની સફળતા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, જ્યારે તેઓ આ ગીત બનાવી રહ્યા હતા ત્યારે તેને આટલી મોટી સફળતા મળશે તેવી અપેક્ષા નહોતી. તેમણે આ ગીતને એક થીમ તરીકે તૈયાર કર્યું હતું, પરંતુ ખાસ કરીને બહેનોએ તેને ખૂબ જ પસંદ કર્યું અને તેને સુપરહિટ બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
નવરાત્રિ દરમિયાન ચણિયાચોળી અને ગરબાનું વિશેષ મહત્ત્વ હોવાથી આ ગીત ખેલૈયાઓમાં પણ લોકપ્રિય બન્યું છે.
નવરાત્રિ દરમિયાન 9થી 10 કલાકની ઊંઘ લે છે જીગરા
વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પોતાની ફિટનેસ અને અવાજની કાળજી કેવી રીતે રાખે છે તે અંગે જીગરદાન ગઢવીએ જણાવ્યું કે, તેઓ વર્ષમાં લગભગ છ મહિના જિમ કરી શકે છે. નવરાત્રિ દરમિયાન પૂરતો આરામ મળે તે માટે તેઓ ખાસ ધ્યાન રાખે છે અને દરરોજ 9થી 10 કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરે છે.
ગળાની કાળજી માટે પણ તેઓ ઘરેલું ઉપાય અપનાવે છે. તેમની પત્ની યતી તેમને મીઠું નાખેલું ગરમ પાણી આપે છે, જેનાથી તેઓ કોગળા કરે છે. આ ઉપરાંત ગળાને નુકસાન પહોંચાડી શકે તેવી વસ્તુઓ ખાવાનું ટાળે છે.
વિદેશમાં લાંબા સમય સુધી પત્નીથી દૂર રહેવું પડે છે
પોતાના અંગત જીવન વિશે વાત કરતાં જીગરદાન ગઢવીએ જણાવ્યું કે, વિદેશના પ્રવાસ દરમિયાન પત્નીથી દૂર રહેવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. ઘણીવાર સાડા ત્રણ મહિના જેટલો સમય બંનેએ એકબીજાથી દૂર રહેવું પડે છે. જોકે, પ્રવાસ પૂર્ણ થયા બાદ તેઓ સાથે લાંબા વેકેશન પર જવાનો પ્રયાસ કરે છે.
ફેનના કારણે અચાનક બંધ થઈ ગયો હતો સાઉન્ડ
સ્ટેજ પરના એક યાદગાર અને મજેદાર પ્રસંગને યાદ કરતાં જીગરદાન ગઢવીએ જણાવ્યું કે, એક વખત અમેરિકાના પ્રવાસ દરમિયાન એક ફેન અચાનક સ્ટેજ પર આવીને નાચવા લાગ્યો હતો. આ દરમિયાન તેના પગ વાયરમાં ફસાઈ જતાં સાઉન્ડ સિસ્ટમ બંધ થઈ ગઈ હતી.
આ ઘટનાને કારણે એકસાથે આશ્ચર્ય, ગુસ્સો અને હાસ્ય જેવી લાગણીઓ ઊભી થઈ હતી. સ્ટેજ પર પર્ફોર્મન્સ દરમિયાન આવા અણધાર્યા પ્રસંગોનો સામનો કરવો પડતો હોવાનું પણ તેમણે જણાવ્યું.
AC ડોમમાં ગરબાનો ટ્રેન્ડ વધશે: જીગરદાન ગઢવી
અમદાવાદમાં AC ડોમમાં ગરબાના વધતા ટ્રેન્ડ અંગે જીગરદાન ગઢવીએ જણાવ્યું કે, વર્ષ 2023માં અમદાવાદમાં AC ડોમમાં નવરાત્રિ શરૂ કરવાનો અનુભવ તેમને મળ્યો હતો. ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન ઘણીવાર વરસાદી વાતાવરણ રહેતું હોવાથી આયોજકોની મહેનત અને ખર્ચ પર અસર પડે છે. વરસાદને કારણે ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઓછો થઈ શકે છે.
આવી સ્થિતિમાં AC ડોમ ગરબાના આયોજન માટે એક સારો વિકલ્પ બની શકે છે. જીગરદાન ગઢવીનું માનવું છે કે, આગામી સમયમાં ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ AC ડોમમાં ગરબાનું આયોજન વધશે અને આવા કાર્યક્રમોને સારો પ્રતિસાદ મળશે.
ક્રિકેટ રમવાનો શોખ, ગુજરાતી ભોજનમાં દાળ-ભાત પસંદ
સંગીત ઉપરાંતની પોતાની પસંદગીઓ વિશે જીગરદાન ગઢવીએ જણાવ્યું કે, સંગીત તેમના જીવનનો મહત્ત્વનો ભાગ છે, પરંતુ તેમને ક્રિકેટ રમવાનો પણ ખૂબ શોખ છે. જ્યારે મેદાનમાં રમવાનો સમય ન મળે ત્યારે તેઓ મોબાઇલમાં ક્રિકેટ રમે છે.
ગુજરાતી ભોજનમાં તેમને દાળ-ભાત ખૂબ ભાવે છે. બહાર હોય કે ઘરે, દાળ-ભાત તેમની પસંદગીના ભોજનમાં સામેલ છે.
ગીતની લાઇન ભૂલાય તો રિધમ વગાડનારાઓ પણ ગભરાઈ જાય છે
લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન ગીતના શબ્દો ભૂલી જવાના પ્રસંગો વિશે જીગરદાન ગઢવીએ મજાકિયા અંદાજમાં વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ક્યારેક ખેલૈયાઓ સેલ્ફી માટે ફોન આપે છે, ઓટોગ્રાફ માટે કાગળ આગળ કરે છે અથવા સ્ટેજ પર ટી-શર્ટ ફેંકે છે. આવી પરિસ્થિતિમાં ધ્યાન ભટકતાં ગીતની આખી લાઇન પણ ભૂલાઈ જાય છે.
ત્યારે તેમની સાથે સંગીત વગાડતા રિધમના કલાકારો પણ અચાનક શું થયું તે વિચારીને ગભરાઈ જાય છે. લાઇવ પર્ફોર્મન્સ દરમિયાન બનતા આવા પ્રસંગો કલાકારો માટે પડકારજનક હોવા છતાં યાદગાર બની રહે છે.
AC ફૂડ ડોમ, પાર્કિંગ સહિતની સુવિધાઓનું આયોજન
‘સાચી નવરાત્રિ 2026’ના આયોજકોના જણાવ્યા અનુસાર, ખેલૈયાઓને પ્રીમિયમ ગરબાનો અનુભવ મળે તે માટે AC ડોમમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરબા રમવા ઉપરાંત વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકાય તે માટે અલગથી સંપૂર્ણ AC ફૂડ ડોમ પણ તૈયાર કરવામાં આવશે.
VIP મહેમાનો અને ખેલૈયાઓ માટે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. ગરબા, ભક્તિ, સંગીત, ભોજન અને આધુનિક સુવિધાઓને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવીને અમદાવાદના ખેલૈયાઓને યાદગાર નવરાત્રિનો અનુભવ આપવાનો આયોજકોનો હેતુ છે.
10 ઓક્ટોબરના રોજ પ્રિ-નવરાત્રિ સેલિબ્રેશન સાથે ‘સાચી નવરાત્રિ 2026’ના મહોત્સવનો પ્રારંભ થશે. જીગરદાન ગઢવીના સતત 10 દિવસના પર્ફોર્મન્સ અને 51 શક્તિપીઠની થીમને કારણે આ વખતે અમદાવાદમાં નવરાત્રિનો ઉત્સાહ વધુ જોવા મળે તેવી અપેક્ષા છે.