હવામાન વિભાગે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટરની સૂચનાથી 31 જુલાઈ, 2026ના રોજ અમદાવાદ શહેરની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ, પ્રાથમિકથી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અધ્યાપન મંદિરો તેમજ તમામ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ આદેશ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં લાગુ રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શૈક્ષણિક સંસ્થાઓને વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી રજાની માહિતી તાત્કાલિક પહોંચાડવા તેમજ માત્ર અધિકૃત સૂચનાઓનું જ પાલન કરવા સૂચના આપી છે. બીજી તરફ ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા શહેર અને જિલ્લામાં પણ 31 જુલાઈએ તમામ આંગણવાડીઓ, શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે, જ્યારે આદેશનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.