અમદાવાદમાં ફટાકડાનો મોટો ભંડાફોડ! મટોડાના બે ગોડાઉનમાંથી ₹39 કરોડનો ગેરકાયદે જથ્થો જપ્ત.

અમદાવાદમાં ફટાકડાનો મોટો ભંડાફોડ! મટોડાના બે ગોડાઉનમાંથી ₹39 કરોડનો ગેરકાયદે જથ્થો જપ્ત.

અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં પોલીસે મટોડામાં બે ગોડાઉન પર દરોડા પાડી ₹39.57 કરોડના ગેરકાયદે ફટાકડાનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. કાર્યવાહી દરમિયાન કુલ 65,954 કાર્ટન ફટાકડા મળી આવ્યા હતા. પોલીસે અમિતકુમાર મોદી અને કિશન પટેલની ધરપકડ કરી છે, જ્યારે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યું કે ગોડાઉનની બહાર શેડ બનાવી ફટાકડાના કાર્ટન રાખવામાં આવ્યા હતા અને લોકોની નજરથી બચાવવા માટે આગળ પડદો બાંધી દેવાયો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે કરોડો રૂપિયાના વિસ્ફોટક જથ્થા વચ્ચે પૂરતી ફાયર સેફ્ટી વ્યવસ્થા પણ ઉપલબ્ધ નહોતી, જેના કારણે કોઈ દુર્ઘટના સર્જાત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી.

પોલીસ હવે ગોડાઉનના લાયસન્સ, મંજૂર સ્ટોરેજ ક્ષમતા અને આ ગેરકાયદે નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકોની ભૂમિકા તપાસી રહી છે. રામોલ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ બાદ થયેલી આ કાર્યવાહીથી ફરી એકવાર ગેરકાયદે ફટાકડાના સંગ્રહ અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે.