Advertisement

અમદાવાદમાં પૈસાનો ખેલ? ઉમેદવારી પાછી ખેંચવા 25 લાખની ઓફરનો દાવો

અમદાવાદમાં પૈસાનો ખેલ? ઉમેદવારી પાછી ખેંચવા  25 લાખની ઓફરનો દાવો

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે લાલચ અને દબાણના આરોપો સાથે રાજકારણ ગરમાયું છે. રામોલ-હાથીજણ વોર્ડથી બીનાબેન મોદીએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે તેમને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે ₹25 લાખની ઓફર કરવામાં આવી હતી. આ મામલે તેમણે મૌલિક પટેલ પર નામજોગ આરોપ લગાવ્યો છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.


બીનાબેન મોદીના જણાવ્યા અનુસાર, તેમણે 11મી તારીખે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવ્યા બાદથી જ તેમના પર સતત દબાણ અને લાલચનો માહોલ સર્જાયો હતો. તેમના ઓળખીતા લોકો દ્વારા વારંવાર સંપર્ક કરી ફોર્મ પરત ખેંચવા માટે સમજાવવાનો પ્રયાસ થયો હતો, જ્યારે કેટલાક કિસ્સામાં પૈસાની ઓફર પણ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે ફોર્મ ચકાસણી દરમિયાન તેમને સીધી ₹25 લાખની ઓફર કરવામાં આવી હતી જેથી તેઓ ચૂંટણીમાંથી ખસી જાય.


આ તમામ આરોપો વચ્ચે બીનાબેન મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ કોઈ પણ પ્રકારના દબાણ અથવા લાલચ સામે ઝૂકશે નહીં. તેઓએ જણાવ્યું કે તેમની લડાઈ પૈસા માટે નહીં પરંતુ પ્રજાના હિત માટે છે અને તેઓ અંત સુધી મેદાનમાં રહેશે. સાથે જ તેમણે ઉમેર્યું કે રાજકારણમાં આવી ઘટનાઓ મતદારોના અધિકારને અસર કરે છે અને ચૂંટણીની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉભા કરે છે.


મહત્વનું છે કે આ આરોપો અંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મૌલિક પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. આ સમગ્ર મામલે હવે ચૂંટણી દરમિયાન લાલચ અને દબાણના મુદ્દા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે, જે રાજ્યના રાજકીય વાતાવરણને વધુ ગરમાવી રહ્યા છે.


Advertisement