અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી વચ્ચે ઠક્કરબાપાનગર વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝોન-5 એલસીબી અને કૃષ્ણનગર પોલીસની સંયુક્ત ટીમે એક ભાડાના મકાનમાં દરોડો પાડી નકલી દારૂનું રી-ફિલિંગ કરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરાતો હતો સસ્તો દારૂ
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ મોંઘી અને જાણીતી બ્રાન્ડની ખાલી વિદેશી દારૂની બોટલો એકત્રિત કરતા હતા. ત્યારબાદ તેમાં સસ્તો દારૂ ભરીને બોટલનું ગેરકાયદેસર રી-ફિલિંગ કરવામાં આવતું હતું. આ નકલી દારૂને અસલી બ્રાન્ડના નામે ઊંચા ભાવે બજારમાં વેચવામાં આવતો હોવાની પોલીસને શંકા છે.
મળતી માહિતી મુજબ આશરે ₹1,500ની કિંમતની બોટલને બ્રાન્ડના નામે ₹5,000થી વધુના ભાવે વેચવામાં આવતી હતી.
47 ભરેલી અને 323 ખાલી બોટલો મળી
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડની 47 નકલી રીતે ભરેલી બોટલો, 323 ખાલી બોટલો, 118 ક્વાર્ટર, 293 ઢાંકણાં, વિવિધ બ્રાન્ડના સ્ટીકરો તેમજ બિયરના ટીન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1.32 લાખથી વધુ છે.
એક આરોપીની ધરપકડ, ત્રણ ફરાર
આ કાર્યવાહી દરમિયાન પોલીસે મુખ્ય આરોપી તરીકે હેમલ વાઘેલાને ઝડપી પાડ્યો છે. જ્યારે આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાનું સામે આવેલા ભરત સોલંકી, વિજય સોલંકી અને સુનિલ સોલંકી હાલ ફરાર છે.
પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. સાથે જ નકલી દારૂના આ નેટવર્ક સાથે અન્ય કેટલા લોકો જોડાયેલા છે અને આ નકલી બોટલો ક્યાં-ક્યાં વેચવામાં આવતી હતી તે અંગે પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આ કૌભાંડ સાથે સંકળાયેલી વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.