અમદાવાદમાં નકલી ચલણી નોટોના મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન ખાનગી અને રાષ્ટ્રીયકૃત મળી કુલ 18 બેન્કોમાંથી રૂપિયા 5.67 લાખની કિંમતની 1659 નકલી નોટો ઝડપાઈ છે. આ નોટોમાં ₹500, ₹200, ₹100 અને ₹50ના દરની નોટોનો સમાવેશ થાય છે. દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ગુનેગારો અવનવી રીતોથી નકલી નોટો બજારમાં પ્રવેશાડી રહ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ચોકાવનારી વાત એ છે કે ગુનેગારો કેશ ડિપોઝિટ મશીનો (CDM) અને બેન્કોમાં નોટો જમા કરીને આ નકલી કરન્સી સિસ્ટમમાં ઘૂસાડી રહ્યા છે. નોટો એટલી કુશળતાથી બનાવવામાં આવે છે કે ઘણા કિસ્સાઓમાં બેન્ક કર્મચારીઓ માટે પણ અસલી અને નકલી નોટ વચ્ચેનો ભેદ પારખવો મુશ્કેલ બની જાય છે. આ રીતે ગોઠવણબદ્ધ રીતે નકલી નોટો બજારમાં ફરી રહી હોવાનું બહાર આવ્યું છે.
આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ લિયાકતઅલીએ અજાણી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. તપાસમાં ICICI બેન્ક, HDFC બેન્ક, RBI સહિત અનેક બેન્કોમાંથી નકલી નોટો મળી આવી છે. કુલ મળીને 18 બેન્કોમાંથી અલગ-અલગ મૂલ્યની નોટો જમા કરાવવામાં આવી હતી, જેમાં સૌથી વધુ ₹500ની નોટો મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવા માટે તપાસ તેજ કરી છે.
આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે વર્ષો પહેલા બંધ કરાયેલી ₹2000ની 6 નોટો પણ બેન્કોમાં મળી આવી છે, જે બેન્કિંગ સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કરે છે. ઉપરાંત કેટલીક નોટો કલર ઝેરોક્ષ અને “ચિલ્ડ્રન નોટ” જેવી પણ હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે સમગ્ર રેકેટ સુધી પહોંચવા માટે તપાસ આગળ વધારી છે.