અમદાવાદ: આજે ઓનલાઈન ઓર્ડર કર્યા બાદ માત્ર ૧૦ મિનિટમાં સામાન ઘરે આવી જાય છે, પરંતુ આ ઝડપી સુવિધા અમદાવાદના પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડી રહી છે. શહેરમાં ક્વિક કોમર્સના લીધે દરરોજ સાડા ચાર હજાર લિટર પેટ્રોલનો બિનજરૂરી ધુમાડો થઈ રહ્યો છે, જેના કારણે રોજનો ૧૩ હજાર કિલો વધારાનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ શહેરની હવામાં ભળી રહ્યો છે.
હાલમાં અમદાવાદમાં ૫થી ૭ કંપનીઓના આશરે ૮૦ વેરહાઉસ કાર્યરત છે અને ૩ હજારથી વધુ ડિલિવરી પાર્ટનર્સ રોજનો એક લાખથી વધુ ઓર્ડર પૂરા કરે છે. નજીવી વસ્તુઓ મંગાવવાની લોકોની આદતને કારણે રાઇડર્સે વારંવાર ફેરા મારવા પડે છે, જેમાં ૭૦થી ૮૦ ટકા ફેરા સંપૂર્ણપણે બિનજરૂરી હોય છે. અગાઉની ઇ-કોમર્સ કંપનીઓ ચોક્કસ ટાઇમ સ્લોટમાં એકસાથે ઘણા ઓર્ડર પહોંચાડતી હતી, જ્યારે હવે એક ઓર્ડર માટે એક આખો ફેરો થાય છે, જે ઇંધણનો મોટો વેડફાટ છે.
આ પ્રદૂષણના કારણે અમદાવાદ શહેર 'અર્બન હીટ આઇલેન્ડ' એટલે કે વધુ ગરમ થઈ રહ્યું છે અને નાગરિકોમાં અસ્થમા, બ્રોન્કાઇટીસ અને હૃદયની બીમારીઓ વધી રહી છે. આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) છે. દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોમાં ૩૫% થી વધુ ડિલિવરી ઈવીથી થાય છે, જ્યારે અમદાવાદમાં આ પ્રમાણ માંડ ૫ થી ૧૦ ટકા જ છે. જો રાઇડર્સને ઝડપથી ઈવી તરફ વાળવામાં આવે, તો જ પર્યાવરણ અને ઇંધણ બંને બચાવી શકાશે.