અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ ગરબા હવે ખુલ્લા મેદાનમાં યોજાશે, 12થી 20 ઓક્ટોબર સુધી થશે આયોજન

અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ ગરબા હવે ખુલ્લા મેદાનમાં યોજાશે, 12થી 20 ઓક્ટોબર સુધી થશે આયોજન

અમદાવાદમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ મહોત્સવના AC ડોમ ધરાશાયી થયા બાદ હવે ગરબાના આયોજનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોમને નુકસાન પહોંચ્યું હોવા છતાં આયોજકોએ ગરબાનું આયોજન રદ કર્યું નથી. હવે 12થી 20 ઓક્ટોબર દરમિયાન ખુલ્લા મેદાનમાં ગરબાનું આયોજન કરવામાં આવશે. કિર્તીદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર વીડિયો રીલ શેર કરીને આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

કિર્તીદાન ગઢવીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ડોમને નુકસાન થયું છે, પરંતુ તેમની ટીમ અને ગરબાપ્રેમીઓના ઉત્સાહને કોઈ નુકસાન થયું નથી. છેલ્લા કેટલાક સમયથી તેમને લોકોના અનેક મેસેજ મળી રહ્યા છે, જેનાથી તેમનો ઉત્સાહ વધુ વધ્યો છે. તેમણે જણાવ્યું કે, હવે ડોમને બદલે ખુલ્લા ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન કરવામાં આવશે. બીજા નોરતાથી લઈને દશેરા સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ માણી શકશે. સાઉન્ડ અને લાઇટિંગ સહિતની વ્યવસ્થાઓ પણ અગાઉની જેમ જ રાખવામાં આવશે. સાથે જ તેમણે ‘પરંપરા’ સાથે જોડાયેલા તમામ ગરબાપ્રેમીઓને નવરાત્રિમાં સહભાગી થવા અપીલ કરી હતી.

9 ઓક્ટોબરની સાંજે ધરાશાયી થયો હતો AC ડોમ

ઉલ્લેખનીય છે કે, 9 ઓક્ટોબરની સાંજે અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મ ખાતે ‘પરંપરા’ નવરાત્રિ મહોત્સવ માટે તૈયાર કરવામાં આવેલો AC ડોમ અચાનક ધરાશાયી થયો હતો. 11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના હોવાથી સ્થળ પર અંતિમ તબક્કાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ડોમ તૂટી પડતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ આયોજન માટે અંદાજે 9 લાખ ચોરસ ફૂટ જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવી હતી. આયોજિત ડોમમાં એકસાથે આશરે 12 હજાર લોકો ગરબા નિહાળી શકે તેવી ક્ષમતા હતી. ડોમનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હતું અને લાઇટિંગ સહિતની સુવિધાઓ પણ ગોઠવી દેવામાં આવી હતી.

શ્રમિકોને સામાન્ય ઇજા, મોટી દુર્ઘટના ટળી

ડોમ ધરાશાયી થયો ત્યારે સ્થળ પર કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ ઘટનામાં કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જણાવાયું છે. સદનસીબે, ગરબાના કાર્યક્રમો શરૂ થાય તે પહેલાં જ આ ઘટના બની હતી. જો ખેલૈયાઓની હાજરી દરમિયાન આવી દુર્ઘટના બની હોત, તો મોટી જાનહાનિ થવાની આશંકા હતી.

હવે આયોજકો દ્વારા ખુલ્લા મેદાનમાં ગરબા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડોમ ધરાશાયી થવાની ઘટના બાદ પણ ‘પરંપરા’ નવરાત્રિ મહોત્સવ યોજાવાનો હોવાથી ગરબાપ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે, કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો માટે સ્થળ પરની સુરક્ષા વ્યવસ્થા અને સલામતીના જરૂરી પગલાં મહત્વપૂર્ણ રહેશે.