Advertisement

અમદાવાદમાં ખેડૂતને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

અમદાવાદમાં ખેડૂતને નિશાન બનાવતી ગેંગનો પર્દાફાશ, બે આરોપી ઝડપાયા

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂતો અને શ્રમિકોમાં ભય ફેલાવતી એક ક્રૂર લૂંટારૂ ગેંગનો અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાત્રે ખેતરોમાં સૂતા લોકોના કાન કાપીને સોનાના દાગીના લૂંટતી આ ગેંગના બે સાગરીતોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે, જેના કારણે વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.

આ ગેંગ સાણંદ, ચાંગોદર અને કેરાળા GIDC વિસ્તારોમાં રાત્રે ત્રાટકતી હતી અને સૂતેલા ખેડૂતો તથા મહિલાઓ પર હુમલો કરીને તેમના કાન કાપી સોનાના દાગીના લૂંટી લેતી હતી. આ ક્રૂર ઘટનાઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ભય અને ફફડાટ ફેલાયો હતો.

આ મામલે પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવી ટેકનિકલ સર્વેલન્સ, CCTV અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને પકડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓએ અનેક લૂંટની ઘટનાઓની કબૂલાત કરી છે, જ્યારે એક આરોપી હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે.

પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે 6.69 લાખ રૂપિયાના સોનાના અને ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. હાલ બંને આરોપીઓને આગળની કાર્યવાહી માટે સાણંદ ટાઉન પોલીસને સોંપવામાં આવ્યા છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે કે આ ગેંગ અન્ય ક્યાંક પણ સક્રિય હતી કે નહીં.

Advertisement