Advertisement

અમદાવાદમાં ઢોસાનું ખીરું જીવલેણ સાબિત થયું? બે માસૂમ બાળકીઓના મોતમાં મોટો વળાંક, એફએસએલની હાજરીમાં મૃતદેહ બહાર કઢાયો

અમદાવાદમાં ઢોસાનું ખીરું જીવલેણ સાબિત થયું? બે માસૂમ બાળકીઓના મોતમાં મોટો વળાંક, એફએસએલની હાજરીમાં મૃતદેહ બહાર કઢાયો

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઢોસાનું તૈયાર ખીરું ખાધા બાદ બે સગી બહેનોના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવી છે. આ કેસમાં સાતમી એપ્રિલના રોજ પોલીસ તપાસમાં મોટો વળાંક આવ્યો છે. મોતનું સચોટ કારણ જાણવા માટે પોલીસે એફએસએલ (FSL) ટીમની હાજરીમાં અઢી મહિનાની માસૂમ બાળકીના દફનાવેલા મૃતદેહને ફરી બહાર કાઢી પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસ આ મામલે હવે વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવા પર ભાર મૂકી રહી છે.


 ચાંદખેડાની મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલભાઈ પ્રજાપતિ ગત ૬ઠ્ઠી એપ્રિલના રોજ સ્થાનિક 'ઘનશ્યામ ડેરી'માંથી ઢોસાનું તૈયાર ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોસા ખાધા બાદ પરિવારના તમામ સભ્યોની તબિયત અચાનક લથડી હતી. ગંભીર ફૂડ પોઈઝનિંગના કારણે ૪ વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહા નામની બંને બાળકીઓનું કરુણ મોત નીપજ્યું હતું. હાલમાં બાળકીઓના માતા-પિતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.


 ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ મીડિયાને જણાવ્યું હતું કે, 'મોટી બાળકીના પીએમ રિપોર્ટમાં ઝેરની હાજરી અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય મળી શક્યો નથી, તેથી હવે નાની બાળકીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.' પોલીસની તપાસ હવે એફએસએલ રિપોર્ટ, બ્લડ સેમ્પલ અને પરિવારના સભ્યોના સીડીઆર (Call Detail Record) જેવા ટેકનિકલ પાસાઓ પર કેન્દ્રિત છે. તપાસ અધિકારીઓ આ ઘટનાને અકસ્માતે મોત, ફૂડ પોઈઝનિંગ કે સામૂહિક આપઘાતના પ્રયાસ એમ તમામ દિશાઓથી તપાસી રહ્યા છે.


 આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. પોલીસે જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું ત્યાંથી સેમ્પલ મેળવીને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. શું ખીરામાં કોઈ ઝેરી તત્વ હતું કે પછી અન્ય કોઈ કારણથી મોત નિપજ્યા છે, તે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ અને પડોશીઓની પણ પૂછપરછ કરી રહી છે જેથી ઘટનાક્રમની કડીઓ જોડી શકાય.

Advertisement