અમદાવાદમાં ધારાસભ્યોનો પોલીસને ‘ટ્રાફિક’ ડોઝ! દબાણથી નશાના કારોબાર સુધી ઉઠ્યા સવાલો

અમદાવાદમાં ધારાસભ્યોનો પોલીસને ‘ટ્રાફિક’ ડોઝ! દબાણથી નશાના કારોબાર સુધી ઉઠ્યા સવાલો

અમદાવાદમાં ટ્રાફિક, ગેરકાયદેસર દબાણ અને નશાકારક પ્રવૃત્તિઓને લઈને ધારાસભ્યો-સાંસદોએ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆતો કરી છે.

25 ઓગસ્ટે અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં શહેરના ધારાસભ્યો-સાંસદો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં શહેરની ટ્રાફિક સમસ્યા સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

ખાસ કરીને માધુપુરા અને દરિયાપુર વિસ્તારમાં રોડ પર ઉભી રહેતી ગેરકાયદેસર નોનવેજ અને ઈંડાની લારીઓ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. કાલુપુર દરવાજાથી પ્રેમ દરવાજા સુધીના ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં રોડ પર થયેલા દબાણ અને ગેરકાયદેસર પાર્કિંગને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો.

મિર્ઝાપુરમાં પાતાળિયા હનુમાન મંદિર નજીક સર્વિસ સ્ટેશનોને કારણે રસ્તા પર વાહનો ઉભા રહેતા હોવાની ફરિયાદ કરવામાં આવી. જ્યારે શાહપુરથી રિવરફ્રન્ટ સુધી રોડ પર બિનઉપયોગી બંધ વાહનો હટાવવા પણ રજૂઆત થઈ.

બીજી તરફ, ગોમતીપુરમાં કફ સિરપના ગેરકાયદેસર વેચાણ અને નશાકારક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની માગ ભાજપના ધારાસભ્ય દિનેશ કુશવાહે કરી.

વેજલપુરમાં બ્રિજની કામગીરી દરમિયાન વૈકલ્પિક માર્ગ, યોગ્ય ડાયવર્ઝન અને ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી. સાથે જ વધુ ટ્રાફિકવાળા વિસ્તારોનો સર્વે કરી નવા ટ્રાફિક પોઈન્ટ મૂકવાની માગ કરવામાં આવી.

બેઠકમાં ભાજપના અનેક ધારાસભ્યો અને સાંસદ દિનેશ મકવાણા હાજર રહ્યા હતા. જોકે, કોંગ્રેસના ઇમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર સહિત કેટલાક ભાજપના ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા નહોતા.

હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યોની આ રજૂઆતો બાદ અમદાવાદ પોલીસ અને સંબંધિત વિભાગો ટ્રાફિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કેટલી ઝડપથી કાર્યવાહી કરે છે.