Advertisement

અમદાવાદમાં આકરી ગરમી વચ્ચે કાંકરિયાના વન્યજીવો માટે 'હાઈટેક' સુરક્ષા: કૂલર, ગ્રીન નેટ અને ખાસ ડાયટ સાથે તંત્ર સજ્જ

અમદાવાદમાં આકરી ગરમી વચ્ચે કાંકરિયાના વન્યજીવો માટે 'હાઈટેક' સુરક્ષા: કૂલર, ગ્રીન નેટ અને ખાસ ડાયટ સાથે તંત્ર સજ્જ

અમદાવાદ: રાજ્યમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે ત્યારે મનુષ્યોની સાથે સાથે પ્રાણી સંગ્રહાલયના અબોલ જીવોને હીટવેવથી બચાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં વસતા અંદાજે 2190 જેટલા વન્યજીવોને ગરમીથી રક્ષણ આપવા માટે હાઈટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા પ્રાણીઓના પાંજરા પાસે 40 જેટલા એર કૂલર લગાવવામાં આવ્યા છે, જ્યારે નિશાચર પ્રાણીઓ માટે જીઓ-થર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે જે અંદરનું તાપમાન કુદરતી રીતે સાનુકૂળ રાખે છે. સૂર્યના સીધા તાપથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટના શેડ બાંધવામાં આવ્યા છે.


પ્રાણીઓમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે તેમના આહારમાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે. વેટરનરી ડોક્ટરોની દેખરેખ હેઠળ વન્યજીવોને ગરમીમાં ઠંડક આપતા ફળો જેવા કે તરબૂચ, ટેટી અને શેરડી પીરસવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે માટે પીવાના પાણીમાં ગ્લુકોઝ અને ORS પાઉડર ઉમેરવામાં આવે છે. વિદેશી પ્રાણીઓ પર ગરમીની ગંભીર અસર ન થાય તે માટે મેડિકલ ટીમ દ્વારા રેગ્યુલર ચેકઅપ, વેક્સિનેશન અને ડિવોર્મિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.


વેકેશનના માહોલમાં કાંકરિયાની મુલાકાતે આવતા અંદાજે 3 લાખ જેટલા પ્રવાસીઓની સુવિધાનું પણ વહીવટી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે પીવાના પાણીની પરબ, એર કૂલર, અને ગ્રીન નેટનો છાંયો તૈયાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષમાં 77 લાખથી વધુ લોકોએ આ ઝૂની મુલાકાત લીધી છે, જેને ધ્યાને રાખીને હાલમાં 'વોક ઈન એવરી' બનાવવાની કામગીરી અને નવા પ્રાણીઓ લાવવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે ઓનલાઈન ટિકિટિંગ અને ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ છે જેથી પ્રવાસનનો આનંદ જળવાઈ રહે.

Advertisement