અમદાવાદ: અમદાવાદ શહેરમાં આવતીકાલે એટલે કે 7 માર્ચ, 2026 ના રોજ સવારે આપાતકાલિન સાયરન વગાડવામાં આવશે. નાગરિક સંરક્ષણ તાલીમશાળા (સિવિલ ડિફેન્સ) દ્વારા નવી સાયરન સિસ્ટમની ખરીદી કરવાની હોવાથી, તેના ટેસ્ટિંગના ભાગરૂપે લાલ દરવાજા સ્થિત હોમગાર્ડ્ઝ ભવન ખાતેથી સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન અવાર-નવાર સાયરન વગાડવામાં આવશે. આ પરીક્ષણનો મુખ્ય હેતુ સાયરનની કાર્યક્ષમતા અને અવાજની રેન્જ ચકાસવાનો છે.
ગભરાશો નહીં, આ માત્ર ટેસ્ટિંગ છે નાયબ પોલીસ અધિક્ષક એ.એ. શેખના જણાવ્યા મુજબ, આ એક સામાન્ય વહીવટી પ્રક્રિયા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક 'ઓપરેશન સિંદૂર' જેવી યુદ્ધ જેવી સ્થિતિમાં લોકોને એલર્ટ કરવા માટે આવી સાયરન સિસ્ટમનો ઉપયોગ થતો હોય છે. લાલ દરવાજા અને તેની આસપાસના 5 કિમીના વિસ્તારમાં આ સાયરનનો અવાજ સ્પષ્ટપણે સંભળાશે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે સાયરનનો અવાજ સાંભળીને કોઈએ ગભરાવાની કે કટોકટી સમજવાની જરૂર નથી.
પાટણ બાદ હવે અમદાવાદમાં આધુનિક સિસ્ટમ નોંધનીય છે કે, પાટણ નગરપાલિકાએ તાજેતરમાં જ રૂ. 1 લાખના ખર્ચે શહેરના 8 સ્થળોએ આવી હાઈ-ટેક સાયરન સિસ્ટમ લગાવી છે. હવે અમદાવાદમાં પણ નાગરિક સંરક્ષણ તંત્રને વધુ મજબૂત કરવા માટે આ નવી સિસ્ટમ વસાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આવતીકાલે થનારું આ ટેસ્ટિંગ ભવિષ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સજ્જ બનાવશે.