Advertisement

અમદાવાદ સિવિલના આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે ₹70.65 લાખની ઓનલાઈન છેતરપિંડી, ફોરેક્સ ટ્રેડિંગના નામે ખેલાયો ખેલ

અમદાવાદ સિવિલના આસિસ્ટન્ટ પ્રોફેસર સાથે ₹70.65 લાખની ઓનલાઈન છેતરપિંડી, ફોરેક્સ ટ્રેડિંગના નામે ખેલાયો ખેલ

અમદાવાદ: શહેરમાં સાયબર ગુનેગારોનો આતંક સતત વધી રહ્યો છે અને હવે આ ગઠિયાઓએ ભણેલા-ગણેલા તેમજ પ્રતિષ્ઠિત વર્ગને પોતાના નિશાના પર લેવાનું શરૂ કર્યું છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાંથી સામે આવ્યો છે. અહીંના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા એક તબીબને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા વળતરની લાલચ આપી સાયબર ઠગોએ રૂપિયા 70.65 લાખની બહુ મોટી છેતરપિંડી આચરી છે.


ટેલિગ્રામની જાહેરાત જોઈ લાલચમાં ફસાયા

મૂળ રાજસ્થાનના અને હાલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ૩૯ વર્ષીય ડૉ. પિયુષ કૃષ્ણમુરારી માલવે આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિગતો મુજબ, વર્ષ 2025ના જૂન મહિનામાં ટેલિગ્રામ પર શેરબજારની એક જાહેરાત જોતી વખતે ડૉ. પિયુષભાઈનો સંપર્ક 'સંજના' નામની પ્રોફાઈલ ધરાવતી વ્યક્તિ સાથે થયો હતો. ડૉક્ટરને ટ્રેડિંગમાં રસ હોવાથી ઠગ ટોળકીએ તેમને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી રાતોરાત મોટી કમાણી કરવાની લાલચ આપી પોતાની જાળમાં ફસાવ્યા હતા.


વિશ્વાસ જીતવા શરૂઆતમાં નફો આપ્યો અને પછી લાખો પડાવ્યા

સાયબર ઠગોએ પહેલા એક લિંક મોકલી આધાર અને પાન કાર્ડ દ્વારા વેબસાઈટ પર પ્રોફેસરનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ તેમનો પૂરો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં ગઠિયાઓએ ₹27,285 અને ₹85,000 નો નફો ખરેખર તેમના બેંક ખાતામાં જમા પણ કરાવ્યો હતો. આ વિશ્વાસના જોરે ડૉક્ટરે મોટું રોકાણ શરૂ કર્યું. ઠગો ટેલિગ્રામ ચેટ દ્વારા અલગ-અલગ બેંક ખાતાની વિગતો આપતા હતા. આમ જોતજોતામાં ડૉક્ટરે કુલ ₹70,65,000 નું જંગી રોકાણ કરી દીધું હતું. વેબસાઈટ પર તેમને આભાસી રીતે $2,35,664 (યુએસ ડોલર) નો જંગી નફો બતાવવામાં આવી રહ્યો હતો.


પૈસા ઉપાડવા જતાં ફૂટ્યો ભાંડો, ઠગોએ માંગ્યો ઇન્કમ ટેક્સ

જ્યારે પિયુષભાઈએ પોતાનો નફો અને મૂળ મુદ્દલ રકમ ઉપાડવાનો (Withdrawal) પ્રયત્ન કર્યો, ત્યારે ઠગોએ અસલી ખેલ શરૂ કર્યો. રૂપિયા પાછા આપવાના બદલે ઠગોએ ઇન્કમ ટેક્સ ભરવાના બહાને તેમની પાસે વધુ નાણાંની માંગણી કરી હતી. આ સમયે ડૉક્ટરને ગંભીર શંકા ગઈ અને તપાસ કરતા જાણવા મળ્યું કે જે ટેલિગ્રામ આઈડી (Darwinex Global CS) અને ફેક વેબસાઈટ દ્વારા તેઓ અત્યાર સુધી રોકાણ કરતા હતા તે બદલાઈ ગયા હતા. પોતાની સાથે બહુ મોટી છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement