અમદાવાદ સહિત રાજ્યમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાલનો આજે ત્રીજો દિવસ છે. 🚨
સરકાર સાથેના મુદ્દાઓનો હજુ સુધી કોઈ સંતોષકારક ઉકેલ ન આવતાં રિક્ષા-ટેક્સી ચાલકો આંદોલન ચાલુ રાખવાના મૂડમાં છે.
7 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ હડતાલ 10 સપ્ટેમ્બર સુધી રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ યુનિયને હવે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો માંગણીઓનો ઉકેલ નહીં આવે તો હડતાલ 10 સપ્ટેમ્બર બાદ પણ લંબાવવામાં આવી શકે છે.
આ હડતાલ પાછળનો મુખ્ય મુદ્દો છે... ઓનલાઈન રાઇડ બુકિંગ એપ્લિકેશન્સ!
રિક્ષા અને ટેક્સી ચાલકોનો આક્ષેપ છે કે ઓલા, ઉબેર અને રેપિડો જેવી એપ આધારિત કંપનીઓના કારણે તેમના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે અને ઓછા ભાડા તેમજ કમિશનની વ્યવસ્થાને કારણે ચાલકોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે.
યુનિયને ઓનલાઈન રિક્ષા અને ટેક્સી માટે લઘુતમ ભાડું નક્કી કરવાની, એપ કંપનીઓ દ્વારા વસૂલાતા કમિશન પર નિયંત્રણ લાવવાની અને ગેરકાયદેસર રીતે ચાલતી ટુ-વ્હીલર સેવાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ત્રીજા દિવસે યુનિયન દ્વારા વિરોધની રીતમાં પણ ફેરફાર જોવા મળ્યો હતો.
ઇસ્કોન ચાર રસ્તા અને હેલ્મેટ સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં યુનિયનના સભ્યો પ્લેકાર્ડ સાથે ઉભા રહી પોતાની માંગણીઓ અને સંદેશ લોકો સુધી પહોંચાડતા જોવા મળ્યા હતા.
પોસ્ટરો પર લખાયેલા સંદેશમાં રિક્ષા ચાલકોની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી કે...
“વાર-તહેવાર ભૂલી પેસેન્જરની સેવામાં રહ્યો...”
અને
“કડકડતી ઠંડીમાં પણ રસ્તા પર રહ્યો...”
આંદોલનના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી ચાલકો જોડાતા સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓફિસ જતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને રેલવે સ્ટેશન સહિત અન્ય સ્થળોએ જતાં લોકોને ખાસ અસર થઈ હતી.
જોકે ત્યારબાદના દિવસોમાં હડતાલમાં જોડાયેલા વાહનચાલકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
પ્રથમ દિવસે કેટલીક જગ્યાએ ચાલતી રિક્ષાઓને રોકવા મુદ્દે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસ દ્વારા કાર્યવાહી અંગે સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ યુનિયને મુસાફરોને લઈને જતી રિક્ષાઓને રોકવાનું બંધ કરી દીધું હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું છે કે, જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે.
હવે નજર સરકારના આગામી નિર્ણય પર છે...
શું રિક્ષા-ટેક્સી ચાલકોની માંગણીઓનો ઉકેલ આવશે?
કે પછી 10 સપ્ટેમ્બર બાદ પણ મુસાફરોને હડતાલની અસર સહન કરવી પડશે?